Indian Banking: ભારતીય બેંકિંગ સેક્ટરમાં આગામી લગભગ દોઢ વર્ષમાં નેતૃત્વ સ્તરે મોટા ફેરફાર જોવા મળી શકે છે. ઓછામાં ઓછા 6 મોટી ભારતીય બેંકોમાં 2027ના અંત સુધી CEO અને ટોચના નેતૃત્વને લઈને નિર્ણયો થવાના છે. આવી સ્થિતિમાં બેંકોના બોર્ડ સામે યોગ્ય ઉત્તરાધિકારી પસંદ કરવાનો સૌથી મોટો પડકાર રહેશે.

HDFC Bank અને Kotak Mahindra Bankમાં સૌથી પહેલા નિર્ણય

સૌથી પહેલા HDFC Bank અને Kotak Mahindra Bankમાં નેતૃત્વને લઈને નિર્ણય થવાનો છે. HDFC Bankના MD અને CEO શશિધર જગદીશનનો હાલનો ત્રણ વર્ષનો કાર્યકાળ 26 ઓક્ટોબર 2026ના રોજ પૂરો થશે. તેઓ પહેલેથી જ સ્પષ્ટ કરી ચૂક્યા છે કે તેઓ આગામી કાર્યકાળ માટે અરજી નહીં કરે.

HDFC Bankમાં કૌઝાદ ભરુચા દાવેદાર

ધ ઇકોનોમિક્સ ટાઈમ્સના અહેવાલ મુજબ, HDFC Bankમાં ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર કૌઝાદ ભરુચાને મુખ્ય આંતરિક દાવેદાર માનવામાં આવી રહ્યા છે. જોકે, તેમના મામલે RBIનો 15 વર્ષના સતત કાર્યકાળનો નિયમ મહત્વનો રહેશે. ભરુચા જૂન 2014માં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર બન્યા હતા અને 2029માં આ મર્યાદા સુધી પહોંચી જશે.

Kotak Bankમાં ત્રણ નામ ચર્ચામાં

Kotak Mahindra Bankના CEO અશોક વાસવાણીનો પ્રથમ ત્રણ વર્ષનો કાર્યકાળ 31 ડિસેમ્બર 2026ના રોજ પૂરો થશે. બેંક પાસે ઘણા વરિષ્ઠ આંતરિક ઉમેદવારો છે. તેમાં અનૂપ સાહા, પારિતોષ કશ્યપ અને જયદીપ હંસરાજના નામ સામેલ છે. બેંક તરફથી બે નામ RBIની મંજૂરી માટે મોકલવામાં આવી ચૂક્યા છે.

ICICI Bankમાં પણ નેતૃત્વ બદલાવની શક્યતા

ICICI Bankમાં પણ નેતૃત્વ બદલાવની શક્યતા પર નજર રાખવામાં આવી રહી છે. હાલના CEO સંદીપ બક્ષીએ અગાઉની નિમણૂક સમયે ટૂંકા કાર્યકાળની પસંદગી કરી હતી. બેંક પાસે ઘણા અનુભવી વરિષ્ઠ અધિકારીઓ છે. તેથી ઉત્તરાધિકારી પસંદ કરવા માટે બોર્ડ સામે ઘણા વિકલ્પો હોઈ શકે છે.

Axis Bankમાં પણ નેતૃત્વ બદલાઈ શકે

Axis Bankના CEO અમિતાભ ચૌધરીનો હાલનો કાર્યકાળ 31 ડિસેમ્બર 2027 સુધી છે. તેઓ બેંકના વડા તરીકે 9 વર્ષ પૂર્ણ કરશે. RBIના નિયમો હેઠળ તેમની ઉંમર અને કુલ કાર્યકાળને ધ્યાનમાં રાખીને તેમને આગળ પણ તક મળી શકે છે. બેંકમાં સુબ્રત મોહંતી, મુનીશ શારદા અને નીરજ ગંભીર જેવા વરિષ્ઠ અધિકારીઓ સંભવિત છે.

SBIમાં 2027માં નિર્ણય

દેશની સૌથી મોટી બેંક State Bank of Indiaના ચેરમેન સી.એસ. શેટ્ટીનો ત્રણ વર્ષનો કાર્યકાળ લગભગ ઓગસ્ટ 2027 સુધી રહેશે. SBIમાં ઉત્તરાધિકારી પસંદ કરવાની પ્રક્રિયા સામાન્ય રીતે વધુ વ્યવસ્થિત હોય છે. મેનેજિંગ ડિરેક્ટરોની ટીમમાંથી સંભવિત નામ સામે આવે છે.

IDBI, Ujjivan અને Finoમાં પણ બદલાવ

આ ઉપરાંત IDBI Bankના CEO રાકેશ શર્માનો કાર્યકાળ માર્ચ 2028માં પૂરો થશે. બીજી તરફ Ujjivan Small Finance Bank અને Fino Payments Bankમાં પણ CEO સ્તરે બદલાવની પ્રક્રિયા ચાલી રહી છે.

બેંકો સામે મોટો પડકાર

બેંકો માટે આ નેતૃત્વ બદલાવ સરળ નહીં હોય. NBFC અને ફિનટેક કંપનીઓ તરફથી વધી રહેલી સ્પર્ધા વચ્ચે અનુભવી બેંકિંગ અધિકારીઓની સંખ્યા મર્યાદિત છે. આવી સ્થિતિમાં ઘણી બેંકો એક જ વરિષ્ઠ અધિકારીને પોતાના નેતૃત્વ માટે પસંદ કરી શકે છે.

ઇન્ટરનલ કે બહારના ઉમેદવાર

નિષ્ણાતોના મતે, બેંક બોર્ડ સામે સૌથી મોટો પડકાર સ્થિરતા અને નવી વ્યૂહરચના વચ્ચે સંતુલન જાળવવાનો રહેશે. આંતરિક ઉમેદવારો બેંકની સંસ્કૃતિ અને સિસ્ટમને સારી રીતે જાણે છે, જ્યારે બહારથી આવનારા ઉમેદવારો નવી વિચારસરણી અને ક્ષમતાઓ લાવી શકે છે. જોકે, બહારની નિમણૂકમાં બદલાવ દરમિયાન જોખમ પણ વધારે હોઈ શકે છે.

આ પણ વાંચો: 5-ડે વર્કિંગ માટે બેન્ક કર્મચારીઓનો હલ્લાબોલ, ગુજરાતમાં રૂ.15,000 કરોડના વ્યવહારો થંભ્યા, ગ્રાહકો હેરાન