આજે દેશભરની સરકારી બેન્કોના કર્મચારીઓએ 5-ડે વીક (અઠવાડિયામાં 5 દિવસ કામ)ની મુખ્ય માંગ સાથે દેશવ્યાપી હડતાળ પાડી છે. પોતાની લાંબા સમયથી પડતર માંગણીઓને લઈને બેન્ક કર્મચારીઓએ સરકાર સામે વિરોધનો મોરચો માંડ્યો છે. આ હડતાળના કારણે દેશભરમાં બેન્કિંગ સેવાઓ સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ છે, જેને કારણે સામાન્ય નાગરિકો, વેપારીઓ અને ઉદ્યોગકારોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે.
ગુજરાતમાં 75 હજાર કર્મચારીઓ જોડાયા
આ દેશવ્યાપી વિરોધ પ્રદર્શનમાં ગુજરાતના આશરે 75 હજાર બેન્ક કર્મચારીઓ સક્રિયપણે જોડાયા છે. હડતાળના આહવાનને પગલે માત્ર ગુજરાતમાં જ આશરે રૂ. 15,000 કરોડના નાણાકીય વ્યવહારો અને ચેક ક્લિયરિંગની પ્રક્રિયા અટકી પડી છે. દેશભરમાં કરોડો રૂપિયાના ટ્રાન્ઝેક્શન અટવાઈ પડતાં દેશના આર્થિક ચક્ર પર પણ આ હડતાળની વિપરીત અસર જોવા મળી રહી છે.
અમદાવાદ અને સુરતમાં કાળા કપડાં પહેરી ઉગ્ર વિરોધ પ્રદર્શન
હડતાળના ભાગરૂપે અમદાવાદના લાલદરવાજા સ્થિત સેન્ટ્રલ બેન્ક પાસે મોટી સંખ્યામાં બેન્ક કર્મચારીઓ એકઠા થઈને ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો. આ ઉપરાંત સુરતના ઘોડદોડ રોડ ખાતે પણ બેન્કકર્મીઓએ કાળા કપડાં પહેરીને સરકાર વિરોધી આકરા સૂત્રોચ્ચાર કર્યા હતા. કર્મચારીઓએ સ્પષ્ટ ઈશારો આપ્યો છે કે જો 5 દિવસના સપ્તાહની તેમની વાજબી માંગ સંતોષવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલન વધુ તેજ બનાવવામાં આવશે.
રાજકોટમાં રાષ્ટ્રીયકૃત બેંકોની હડતાળ
દેશવ્યાપી હડતાળના પગલે રાજકોટમાં પણ રાષ્ટ્રીયકૃત બેંકોના અધિકારીઓ અને કર્મચારીઓએ પડતર માંગણીઓ મુદ્દે મોરચો માંડ્યો છે. શહેરના નાના મવા નજીક આવેલી પંજાબ નેશનલ બેંક (PNB) ખાતે મોટી સંખ્યામાં એકઠા થયેલા બેંકકર્મીઓએ હાથમાં પ્લે કાર્ડ્સ રાખીને અને આક્રમક સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ હડતાળ દરમિયાન કર્મચારીઓએ અઠવાડિયામાં 5 દિવસનું બેંકિંગ કામકાજ લાગુ કરવું, બેંકોમાં ક્લાર્ક અને સબ-સ્ટાફની પૂરતી ભરતી કરવી, ગ્રેચ્યુઇટી કાયદા હેઠળની મહત્તમ મર્યાદામાં વધારો કરવો તેમજ પેન્શન પર સમાન DA (મોંઘવારી ભથ્થું) લાગુ કરવા જેવી વિવિધ પડતર માંગણીઓ સત્વરે ઉકેલવા સરકાર અને બેંક મેનેજમેન્ટ સામે માંગ કરી હતી.
આ પણ વાંચો : Rajkot ત્રિપલ સુસાઈડ કેસમાં મોટો વળાંક, વ્યાજખોર સંદીપ લખતરીયા સામે અંતે ગુનો દાખલ