દેશની સૌથી મોટી ખાનગી બેન્ક HDFC બેન્કની કમાન હવે અનુભવી પ્રશાસકના હાથમાં જવા જઈ રહી છે. ભારતીય રિઝર્વ બેન્ક (RBI)એ પૂર્વ નાણાં સચિવ રાજીવ કુમારને HDFC બેન્કના નવા પાર્ટ-ટાઈમ ચેરમેન તરીકે નિયુક્ત કરવાની મંજૂરી આપી છે. તેમની નિમણૂક 15 જુલાઈ 2026થી આગામી ત્રણ વર્ષ માટે અમલમાં આવી છે.
HDFC બેન્કે શેરબજારમાં આપી જાણકારી
HDFC બેન્કે શેરબજારને આપવામાં આવેલી જાણકારીમાં જણાવ્યું છે કે RBIની મંજૂરી બાદ રાજીવ કુમારની નિમણૂક પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. અત્યાર સુધી વચગાળાના ચેરમેન તરીકે જવાબદારી સંભાળતા કેકી મિસ્ત્રીનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે. જોકે, તેઓ બેન્કના બોર્ડમાં નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે યોગદાન આપતા રહેશે.
1984ની બેચના પૂર્વ IAS અધિકારી છે રાજીવ કુમાર
66 વર્ષીય રાજીવ કુમાર 1984 બેચના પૂર્વ IAS અધિકારી છે અને દેશના નાણાકીય ક્ષેત્રમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી ચૂક્યા છે. વર્ષ 2017થી 2020 દરમિયાન નાણાં મંત્રાલયના નાણાકીય સેવા વિભાગના સચિવ તરીકે તેમણે સરકારી બેન્કોને NPA સંકટમાંથી બહાર લાવવા માટે મહત્વપૂર્ણ કામગીરી કરી હતી.
મજબૂત બેન્કિંગ માળખું ઊભું કરવામાં મોટું યોગદાન
તેમના નેતૃત્વમાં સરકારની '4R સ્ટ્રેટેજી' ઓળખ, ઉકેલ, પુનઃમૂડીકરણ અને સુધારાને અમલમાં મૂકવામાં આવી હતી. આ દરમિયાન ખરાબ લોનની ઓળખ, IBC દ્વારા ઉકેલ અને સરકારી બેન્કોમાં મોટા પાયે મૂડી રોકાણ જેવા નિર્ણયો લેવામાં આવ્યા હતા. ઉપરાંત નાના સરકારી બેન્કોના વિલયથી મજબૂત બેન્કિંગ માળખું ઊભું કરવામાં પણ તેમનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું હતું.
રાજીવ કુમારે બેન્ક ગ્રાહકોની સુરક્ષા માટે ડિપોઝિટ ઈન્શ્યોરન્સ મર્યાદા રૂ. 1 લાખથી વધારી રૂ. 5 લાખ કરવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. જનધન યોજના, MSME લોન સુવિધા અને બેન્કિંગ ટેક્નોલોજી સુધારામાં પણ તેમનું યોગદાન રહ્યું છે. નાણાં સચિવ પદેથી નિવૃત્તિ બાદ તેઓ દેશના મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. હવે તેમના લાંબા વહીવટી અનુભવનો લાભ HDFC બેન્કના ભવિષ્યના વિકાસ અને મજબૂતીકરણમાં મળશે.
આ પણ વાંચો : IBM Share Crash : CEOના પત્ર બાદ IBMનો શેર થયો ક્રેશ, એક જ દિવસમાં રોકાણકારોના રૂપિયા 6.6 લાખ કરોડ સ્વાહા