અમેરિકાની દિગ્ગજ IT કંપની IBMના શેરમાં મંગળવારે ભારે ઘટાડો જોવા મળ્યો. કંપનીના નબળા બીજા ત્રિમાસિક પ્રદર્શનના સંકેતો બાદ રોકાણકારોમાં ચિંતા વધી હતી અને અમેરિકન શેરબજારમાં IBMના શેર 25 ટકાથી વધુ તૂટી ગયા. આ ઘટાડો છેલ્લા ચાર દાયકામાં કંપનીના શેરમાં નોંધાયેલો સૌથી મોટો એક દિવસીય ઘટાડો માનવામાં આવે છે.

શેરનો ભાવ ઘટીને 217.07 ડોલર પર બંધ થયો

IBMના શેરમાં 25.21 ટકાનો ઘટાડો થતાં શેરનો ભાવ ઘટીને 217.07 ડોલર પર બંધ થયો હતો. આ ભારે ઘટાડાના કારણે રોકાણકારોની સંપત્તિમાં આશરે 69 અબજ ડોલર (લગભગ રૂ. 6.64 લાખ કરોડ)નો ઘટાડો થયો હતો. કંપનીનું માર્કેટ કેપિટલાઈઝેશન પણ ઝડપથી ઘટીને 272.78 અબજ ડોલરથી 203.78 અબજ ડોલર પર આવી ગયું હતું.

1987માં આવ્યો હતો મોટો કડાકો

આ ઘટાડો 1987ના બ્લેક મન્ડે માર્કેટ ક્રેશ દરમિયાન થયેલા 23 ટકાના ઘટાડા કરતાં પણ મોટો હતો. IBMના શેરમાં આવેલા કડાકાની અસર અન્ય સોફ્ટવેર કંપનીઓ પર પણ જોવા મળી હતી. માઈક્રોસોફ્ટ, સર્વિસનાઉ, સેલ્સફોર્સ અને ઈન્ટ્યુઇટ જેવી કંપનીઓના શેરમાં પણ 2થી 5 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો. IBMના શેરમાં આ અચાનક ઘટાડાનું મુખ્ય કારણ કંપનીના CEO અરવિંદ કૃષ્ણા દ્વારા રોકાણકારોને લખાયેલો પત્ર હોવાનું માનવામાં આવી રહ્યું છે. તેમાં તેમણે બીજા ત્રિમાસિકના પરિણામો કંપનીની અપેક્ષા કરતાં નબળા રહ્યા હોવાનું સ્વીકાર્યું હતું.

ટેક્નોલોજી બજેટમાં ફેરફાર કર્યો

અરવિંદ કૃષ્ણાએ જણાવ્યું કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ડેટા સેન્ટર્સની વધતી માંગને કારણે સર્વર, સ્ટોરેજ અને મેમરીની ઉપલબ્ધતામાં મુશ્કેલી ઊભી થઈ છે. પરિણામે ગ્રાહકોએ તેમના ટેક્નોલોજી બજેટમાં ફેરફાર કર્યો અને સોફ્ટવેરના ખર્ચમાંથી વધુ રકમ AI હાર્ડવેર તરફ વાળવામાં આવી. કંપનીએ આ પડકારોની અપેક્ષા રાખી હતી, પરંતુ ગ્રાહકોના ખર્ચમાં આટલો મોટો ફેરફાર થશે તેવી ધારણા નહોતી.

આ પણ વાંચો : Groww Q1 Results : કંપનીના નફામાં 94%નો ઉછાળો, શેરના ભાવમાં જોવા મળી જોરદાર તેજી

ડિસ્કલેમર: શેરબજારમાં કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા તમારા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ અવશ્ય લો.