ભારતની અગ્રણી સરકારી ડિફેન્સ કંપની હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) એ પોતાના રોકાણકારોને ફરી એકવાર મોટો ફાયદો આપવાનો નિર્ણય કર્યો છે. કંપનીના બોર્ડે નાણાકીય વર્ષ 2025-26 માટે પ્રતિ શેર 10 રૂપિયાનું ફાઈનલ ડિવિડન્ડ આપવાની ભલામણ કરી છે. આ પહેલાં ફેબ્રુઆરીમાં પણ કંપનીએ 35 રૂપિયા પ્રતિ શેરનું ઈન્ટરિમ ડિવિડન્ડ જાહેર કર્યું હતું. હવે આ પ્રસ્તાવ આગામી વાર્ષિક સામાન્ય સભા (AGM)માં રજૂ કરવામાં આવશે, જ્યાં મંજૂરી મળ્યા બાદ પાત્ર રોકાણકારોના બેન્ક ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવશે.

કઈ છે રેકોર્ડ ડેટ?

કંપનીએ ડિવિડન્ડ માટે 14 ઓગસ્ટ 2026ને રેકોર્ડ ડેટ તરીકે નક્કી કરી છે. જે રોકાણકારોના ડિમેટ ખાતામાં આ તારીખ સુધી HALના શેર રહેશે, તેઓ આ ડિવિડન્ડ માટે પાત્ર ગણાશે. AGMમાં પ્રસ્તાવ પાસ થયા બાદ 30 દિવસની અંદર તમામ પાત્ર રોકાણકારોને ડિવિડન્ડની રકમ ચૂકવવામાં આવશે. HALનું ડિવિડન્ડ ચૂકવણીનું રેકોર્ડ છેલ્લા કેટલાક વર્ષોમાં પણ મજબૂત રહ્યું છે. વર્ષ 2024-25માં કંપનીએ કુલ 40 રૂપિયા પ્રતિ શેર ડિવિડન્ડ આપ્યું હતું, જ્યારે 2023-24માં 35 રૂપિયા અને 2022-23માં 55 રૂપિયા પ્રતિ શેરનો મોટો લાભ આપવામાં આવ્યો હતો. અગાઉના વર્ષોમાં પણ કંપની સતત રોકાણકારોને સારૂં રિટર્ન આપતી રહી છે.

કંપની પાસે છે મોટો ઓર્ડર 

કંપનીનો બિઝનેસ પણ ઝડપથી આગળ વધી રહ્યો છે. આગામી બે વર્ષમાં HAL પાસે અંદાજે 90,000 કરોડ રૂપિયાની ઓર્ડર પાઇપલાઇન છે, જેમાં ALH હેલિકોપ્ટર, સુખોઈ વિમાન અપગ્રેડ અને ડોર્નિયર વિમાનના આધુનિકીકરણ જેવા મહત્વના પ્રોજેક્ટ સામેલ છે. નિષ્ણાતોનું માનવું છે કે આવનારા વર્ષોમાં કંપનીની આવકમાં સતત વૃદ્ધિ જોવા મળશે અને ડિફેન્સ સેક્ટરમાં HALની સ્થિતિ વધુ મજબૂત બનશે.

આ પણ વાંચો : Business News : આ અઠવાડિયે શેરબજારમાં ટોપ-10માંથી 6 કંપનીઓના માર્કેટ કેપમાં રૂપિયા 88,678 કરોડનો વધારો

ડિસ્કલેમર: શેરબજારમાં કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા તમારા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ અવશ્ય લો.