મોંઘવારીની અસર હવે ઘરના રોજિંદા વપરાશની વસ્તુઓ પર પણ જોવા મળી રહી છે. હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડ (HUL)એ તેની લોકપ્રિય ડિટર્જન્ટ બ્રાન્ડ્સ Surf Excel, Rin અને Wheelના ભાવમાં 11% સુધીનો વધારો કર્યો છે. કંપનીએ અલગ-અલગ પેકેટના ભાવમાં ₹1થી ₹10 સુધીનો વધારો કર્યો છે. આ ભાવવધારો વધતા કાચા માલના ખર્ચ અને કંપનીના નફાના માર્જિનને જાળવી રાખવાના પ્રયાસ વચ્ચે કરવામાં આવ્યો છે.
Surf Excelના કયા પેકેટના ભાવ વધ્યા?
Surf Excel Quick Washના 1 કિલોના પેકેટનો ભાવ ₹235થી વધારીને ₹245 કરવામાં આવ્યો છે. એટલે હવે ગ્રાહકોએ એક પેકેટ માટે ₹10 વધુ ચૂકવવા પડશે. તેના 500 ગ્રામના પેકેટનો ભાવ પણ ₹123થી વધારીને ₹128 થયો છે. Surf Excel Easy Washના 1 કિલોના પેકેટનો ભાવ ₹167થી વધારીને ₹172 કરવામાં આવ્યો છે. જ્યારે 500 ગ્રામના પેકેટનો ભાવ ₹85થી વધારીને ₹87 થયો છે. Surf Excelના 250 ગ્રામના બારનો ભાવ પણ ₹3 વધારીને ₹45 કરવામાં આવ્યો છે. ચાર બારના પેકેટનો ભાવ ₹145થી વધારીને ₹155 થયો છે.

Rin અને Wheel પણ મોંઘા થયા
HULએ Rin અને Wheelના ભાવમાં પણ વધારો કર્યો છે. Rin Alaના 500 મિલી પેકેટનો ભાવ ₹90થી વધારીને ₹95 કરવામાં આવ્યો છે. Rin ડિટર્જન્ટ પાઉડરના 1 કિલોના પેકેટનો ભાવ ₹120થી વધીને ₹123 અને 500 ગ્રામના પેકેટનો ભાવ ₹61થી વધીને ₹63 થયો છે. Wheel ડિટર્જન્ટ પાઉડરના 1 કિલોના પેકેટનો ભાવ ₹90થી વધારીને ₹93 કરવામાં આવ્યો છે. જ્યારે 500 ગ્રામના પેકેટનો ભાવ ₹46થી વધારીને ₹47 થયો છે.
Moti સાબુ પણ ₹8 મોંઘો થયો
માત્ર કપડાં ધોવાના પાઉડર જ નહીં, HULએ Moti Gulab સાબુના ભાવમાં પણ વધારો કર્યો છે. 150 ગ્રામના સાબુનો ભાવ ₹74થી વધારીને ₹82 કરવામાં આવ્યો છે. એટલે તેમાં ₹8નો વધારો થયો છે, જે 10%થી વધુ છે.
ભાવવધારા પાછળ શું કારણ?
HULના મેનેજિંગ ડિરેક્ટર અને CEO પ્રિયા નાયરે ગયા મહિને જણાવ્યું હતું કે કાચા માલના ભાવમાં થતા ફેરફારને ધ્યાનમાં રાખીને કંપની જરૂરિયાત મુજબ તબક્કાવાર ભાવવધારો કરતી રહેશે. કોમોડિટીના ઊંચા ભાવને કારણે કંપનીઓ પર ખર્ચનું દબાણ છે. બીજી તરફ ગ્રાહકોની માગ પણ જાળવી રાખવાની છે.
આ સ્થિતિમાં કંપનીઓ ભાવમાં ફેરફાર કરીને વધતા ખર્ચની અસર ઘટાડવાનો પ્રયાસ કરી રહી છે. HULનો આ નિર્ણય સીધો ગ્રાહકોના ખિસ્સા પર અસર કરશે, કારણ કે Surf Excel, Rin અને Wheel જેવી બ્રાન્ડ્સનો ઉપયોગ અનેક ઘરોમાં રોજિંદા ધોરણે થાય છે.
આ પણ વાંચો: Stock Market: આ 7 શેરોમાં 51% સુધીની કમાણીની તક ! બ્રોકરેજ ફર્મ જેફરીઝે તો લગાવી દીધો છે મોટો દાવ !