કર્ણાટકમાં પેટ્રોલ પંપો પર નિર્ધારિત મર્યાદા કરતાં વધુ એટલે કે 31 ટકા સુધી ઇથેનોલ હોવાના વિવાદે જોર પકડ્યું છે. કર્ણાટક સરકાર આ મામલે પુરાવા સાથે અહેવાલ રજૂ કરવાની તૈયારી કરી રહી છે, ત્યારે મોટો સવાલ એ ઉભો થાય છે કે આખરે વાહનોમાં વપરાતા પેટ્રોલમાં ઇથેનોલ ક્યાં અને કેવી રીતે ભેળવવામાં આવે છે? શું પેટ્રોલ પંપના કર્મચારીઓ તેમાં ફેરફાર કરે છે કે પછી તે રિફાઇનરી સ્તરે જ નક્કી થાય છે?

ડેપો અને ટર્મિનલ સ્તરે થાય છે મિશ્રણ

દેશમાં ઇથેનોલનું મિશ્રણ ક્યારેય પેટ્રોલ પંપ પર મેન્યુઅલી કરવામાં આવતું નથી. ઇન્ડિયન ઓઇલ (IOCL), ભારત પેટ્રોલિયમ (BPCL) અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ (HPCL) જેવી ઓઇલ માર્કેટિંગ કંપનીઓ ઇથેનોલ ઉત્પાદક ડિસ્ટિલરીઓ પાસેથી ઇથેનોલ મેળવે છે. ત્યારબાદ આ ઇથેનોલને ઓઇલ કંપનીઓના નિયંત્રિત ડેપો અને ટર્મિનલ્સ પર પેટ્રોલ સાથે વૈજ્ઞાનિક પદ્ધતિથી ભેળવવામાં આવે છે. પંપ પર પહોંચતું ઇંધણ પહેલેથી જ મિશ્રિત હોય છે, અને ડીલરોની જવાબદારી માત્ર તેની ગુણવત્તા જાળવીને ગ્રાહકો સુધી પહોંચાડવાની હોય છે.

મિશ્રણની ચોક્કસ પદ્ધતિઓ અને E20 ધોરણો

પેટ્રોલિયમ મંત્રાલયના માર્ગદર્શિકા મુજબ, રિફાઇનરીઓ અને ડેપોમાં ઓટોમેટેડ કેલિબ્રેશન અને પ્રમાણસર સિસ્ટમનો ઉપયોગ થાય છે. આમાં 'ઇન-લાઇન મિશ્રણ' (પાઇપલાઇન દ્વારા સતત વહેતા પેટ્રોલમાં નિશ્ચિત માત્રા ઉમેરવી) અને 'સ્પ્લેશ બ્લેન્ડિંગ' (ટેન્કરમાં સીધું મિશ્રણ કરવું) જેવી તકનીકો વપરાય છે.

હાલમાં દેશમાં E20 ઇંધણ મંજૂર છે, જેનો અર્થ છે કે તેમાં આશરે 19 થી 21 ટકા ઇથેનોલ અને બાકીનું શુદ્ધ પેટ્રોલ હોય છે. સરકારે આયાતી ક્રૂડ ઓઇલ પરનું દબાણ ઘટાડવા અને ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવા માટે આ ધોરણો અપનાવ્યા છે. તાજેતરના સરકારી ડેટા મુજબ, મોટાભાગના નમૂનાઓ નિર્ધારિત મર્યાદામાં જ હોવાનું જણાયું છે.

ગુણવત્તા નિયંત્રણ અને પાણીથી બક્ષવા સાવચેતી

ઇથેનોલ હાઇગ્રોસ્કોપિક હોવાથી તે પાણી શોષી લે છે, જેના કારણે સ્ટોરેજ ટેન્કોમાં પાણી કે કાંપ જમા ન થાય તેની વિશેષ કાળજી રાખવી પડે છે. ઓઇલ કંપનીઓની માર્ગદર્શિકા મુજબ ડેપો પર સમયાંતરે પાણી અને ઇથેનોલનું પ્રમાણ તપાસવામાં આવે છે. જો પ્રમાણમાં કોઈ અનિયમિતતા જણાય, તો તાત્કાલિક વેચાણ અટકાવી દેવામાં આવે છે. આમ, ડિસ્ટિલરીથી લઈને ડેપો અને અંતે પેટ્રોલ પંપ સુધીની આ સફરમાં ગુણવત્તા અને પારદર્શિતા જાળવવાના કડક નિયમોનું પાલન કરવામાં આવે છે.

આ પણ વાંચોઃ Sugar Price Hike: તહેવારોમાં ખાંડ મોંઘી, ભારત દર વર્ષે કેટલી ખાંડનુ ઉત્પાદન કરે છે?