ભારતીય ઓટોમોબાઈલ ઉદ્યોગ હાલમાં ઈલેક્ટ્રિક વાહનો (EV) અને અદ્યતન ઓટોમોટિવ ટેક્નોલોજી (AAT) તરફ ઝડપથી આગળ વધી રહ્યો છે. આ પરિવર્તનને વેગ આપવા માટે કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મૂકાયેલી પ્રોડક્શન લિંક્ડ ઈન્સેન્ટિવ (Auto PLI) યોજના હવે તેના સૌથી અસરકારક તબક્કામાં પ્રવેશી છે. નાણાકીય વર્ષ 2026-27 દરમિયાન આ યોજના હેઠળ અંદાજે ₹4,000 કરોડનું પ્રોત્સાહન વિતરણ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
વેચાણના આધારે કંપનીઓને સરકાર તરફથી પ્રોત્સાહન મળવાનું શરૂ થયું
શરૂઆતના વર્ષોમાં કંપનીઓએ ઉત્પાદન એકમો સ્થાપવા અને મોટા મૂડીરોકાણ કર્યા બાદ હવે મોટા પાયે ઉત્પાદન શરૂ કર્યું છે. તેના પરિણામે વધારાના વેચાણના આધારે કંપનીઓને સરકાર તરફથી પ્રોત્સાહન મળવાનું શરૂ થયું છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, બજાજ ઓટો આ નાણાકીય વર્ષમાં Auto PLI હેઠળ પ્રોત્સાહન મેળવતી પ્રથમ કંપની બની છે. કંપનીને લગભગ ₹6,000 કરોડના વધારાના વેચાણ સામે અંદાજે ₹750 કરોડનું ઇન્સેન્ટિવ ચૂકવવામાં આવ્યું છે.
Auto PLI યોજના માટે ₹5,939.87 કરોડની જોગવાઈ
બજાજ ઓટોએ અગાઉ જણાવ્યું હતું કે Auto PLI યોજના હેઠળ તેના 13 વાહનોને મંજૂરી મળી છે, જેમાં બે-વ્હીલર અને ત્રણ-વ્હીલર બંનેનો સમાવેશ થાય છે. કંપનીએ સ્થાનિક મૂલ્યવર્ધન સંબંધિત શરતો પણ પૂર્ણ કરી હોવાનું જણાવ્યું હતું. કેન્દ્ર સરકારે FY27ના બજેટમાં Auto PLI યોજના માટે ₹5,939.87 કરોડની જોગવાઈ કરી છે, જે અગાઉના વર્ષના ₹2,091.26 કરોડની સરખામણીએ લગભગ ત્રણ ગણી છે. સપ્ટેમ્બર 2021માં ₹25,938 કરોડના કુલ બજેટ સાથે શરૂ કરાયેલી આ યોજનાનો હેતુ સ્થાનિક ઉત્પાદન વધારવો, રોજગારી સર્જવી અને ભારતને વૈશ્વિક ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરિંગ હબ તરીકે વિકસાવવાનો છે.
ભારે ઉદ્યોગ મંત્રાલયના આંકડા મુજબ, યોજનાના લાભાર્થીઓએ અત્યાર સુધીમાં ₹32,879 કરોડનું વધારાનું વેચાણ નોંધાવ્યું છે. સરકારનું માનવું છે કે Auto PLI યોજના 'મેક ઈન ઈન્ડિયા' અભિયાનને વધુ મજબૂત બનાવશે, ઈલેક્ટ્રિક વાહનોના ઉત્પાદનને પ્રોત્સાહન આપશે અને ભારતીય ઓટોમોબાઈલ ઉદ્યોગની વૈશ્વિક સ્પર્ધાત્મકતા વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
આ પણ વાંચો : LICમાં સરકાર વેચશે 6.5% સુધીનો હિસ્સો, OFSની જાહેરાત બાદ શેરમાં 8% સુધીનો કડાકો
ડિસ્કલેમર: શેરબજારમાં કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા તમારા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ અવશ્ય લો.