ભારત સરકાર દેશની સૌથી મોટી વીમા કંપની લાઈફ ઈન્શ્યોરન્સ કોર્પોરેશન (LIC)માં પોતાની 6.5 ટકા સુધીની ભાગીદારી વેચવા જઈ રહી છે. આ વેચાણ 'ઓફર ફોર સેલ' (OFS) મારફતે કરવામાં આવશે. સરકારની જાહેરાત બાદ શેરબજારમાં LICના શેર પર ભારે દબાણ જોવા મળ્યું હતું. મંગળવારે ટ્રેડિંગ દરમિયાન કંપનીનો શેર 8 ટકા સુધી તૂટીને રૂ. 393.40 સુધી આવી ગયો હતો, જ્યારે દિવસ દરમિયાન તે રૂ. 390.50ના નીચલા સ્તર સુધી પણ સરક્યો હતો.

રિટેલ રોકાણકારો માટે ઈશ્યૂ બુધવારે ખુલશે

મળતી માહિતી મુજબ સરકાર શરૂઆતમાં 2 ટકા ઈક્વિટી હિસ્સો વેચશે અને માગ સારી રહે તો વધારાના 4.5 ટકા હિસ્સો વેચવાનો વિકલ્પ પણ રાખ્યો છે. OFS હેઠળ નોન-રિટેલ રોકાણકારો માટે ઈશ્યૂ મંગળવારે ખુલશે, જ્યારે રિટેલ રોકાણકારો બુધવારથી તેમાં ભાગ લઈ શકશે. સરકાર દ્વારા પ્રતિ શેર રૂ. 382ની ફ્લોર પ્રાઈસ નક્કી કરવામાં આવી છે. આ કિંમતે 6.5 ટકા હિસ્સાનું કુલ મૂલ્ય અંદાજે રૂ. 31,410 કરોડ થાય છે.

ભારતીય બજાર નિયામક SEBIએ LICને 16 મે, 2027 સુધીમાં ઓછામાં ઓછું 10 ટકા જાહેર શેરહોલ્ડિંગ હાંસલ કરવાની મંજૂરી આપી છે. હાલમાં કંપનીમાં જાહેર શેરહોલ્ડિંગ માત્ર 3.5 ટકા છે. જો OFS સંપૂર્ણ સફળ રહેશે તો જાહેર હિસ્સેદારી 10 ટકા સુધી પહોંચી જશે અને નિયમનકારી શરતો સમય પહેલાં પૂર્ણ થશે.

સરકાર દ્વારા પ્રથમ મોટું ડિસઈન્વેસ્ટમેન્ટ 

LIC મે 2022માં દેશના સૌથી મોટા IPOમાંથી એક દ્વારા શેરબજારમાં લિસ્ટ થઈ હતી, જેમાં સરકારે 3.5 ટકા હિસ્સો વેચ્યો હતો. લિસ્ટિંગ બાદ સરકાર દ્વારા કરવામાં આવતું આ પ્રથમ મોટું ડિસઈન્વેસ્ટમેન્ટ છે. સરકારે નાણાકીય વર્ષ 2026-27 માટે ડિસઇન્વેસ્ટમેન્ટ અને એસેટ મોનેટાઈઝેશન દ્વારા રૂ. 80,000 કરોડ એકત્ર કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. ચાલુ વર્ષે NHPC, કોલ ઈન્ડિયા અને ઈન્ડિયન રેલવે ફાઈનાન્સ કોર્પોરેશન સહિત અનેક કંપનીઓમાં OFS દ્વારા સરકાર પહેલેથી જ નોંધપાત્ર રકમ એકત્ર કરી ચૂકી છે.

આ પણ વાંચો : Dabur India Share Price : FSSAIની કડક કાર્યવાહીથી ડાબર ઈન્ડિયાને ઝટકો, શેરના ભાવમાં 3.5 ટકાથી વધુનો ઘટાડો

ડિસ્કલેમર: શેરબજારમાં કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા તમારા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ અવશ્ય લો.