વૈશ્વિક બજારમાં ચાલી રહેલી ઉથલપાથલ અને પશ્ચિમ એશિયાના સંકટ વચ્ચે ભારતીય ચલણ રૂપિયો માત્ર અમેરિકી ડૉલર સામે જ નથી નબળો પડ્યો, પરંતુ ચીનની કરન્સી 'યુઆન' સામે પણ ભારે ગગડ્યો છે. આ આર્થિક ગિરાવટ ભારત માટે મોટા આંચકા સમાન છે, કારણ કે તેનાથી ચીનથી આયાત થતી વસ્તુઓ મોંઘી થશે અને દેશમાં મોંઘવારીનો ગ્રાફ ઊંચો જઈ શકે છે.
યુઆન સામે રૂપિયામાં 6-8%નો કડાકો
ચાલુ વર્ષે જાન્યુઆરીથી અત્યાર સુધીમાં ચીની યુઆનની સરખામણીએ ભારતીય રૂપિયો 6 થી 8 ટકા જેટલો નબળો પડ્યો છે. જાન્યુઆરીમાં જ્યાં 1 ચીની યુઆનની કિંમત આશરે ₹12.8 થી ₹13 હતી, તે હવે વધીને ₹14 થી ₹14.2 પર પહોંચી ગઈ છે. આનો સીધો અર્થ એ છે કે ચીન પાસેથી સામાન ખરીદવા માટે ભારતે હવે 8 થી 10 ટકા વધુ રકમ ચૂકવવી પડશે.
આયાતનો અતિરિક્ત બોજ અને ટ્રેડ ડેફિસિટ
વર્ષ 2025માં ચીનથી ભારતની આયાત આશરે 115 થી 120 અબજ ડૉલર રહી હતી. રૂપિયાના ધોવાણના કારણે ભારત પર આશરે 8.4 અબજ ડૉલર (અંદાજે ₹70,000 થી ₹75,000 કરોડ) નો વધારાનો નાણાકીય બોજ પડ્યો છે. વર્ષ 2026માં આ આયાત વધીને 125 થી 135 અબજ ડૉલર થવાનો અંદાજ છે. તેની સામે ભારતનો ચીન તરફનો નિકાસ વેપાર માત્ર 14.5 અબજ ડૉલર આસપાસ જ મર્યાદિત છે, જેના લીધે બંને દેશો વચ્ચે 'ટ્રેડ ડેફિસિટ' (વ્યાપાર ખાધ) ચિંતાજનક સ્તરે વધી ગઈ છે.
રૂપિયો ગગડવાના મુખ્ય 4 કારણો:
ચીન પર વધુ પડતી નિર્ભરતા: ઇલેક્ટ્રોનિક્સ, સોલર ઇક્વિપમેન્ટ અને મશીનરી માટે ભારત મોટા પાયે ચીન પર નિર્ભર છે, જે આયાત સતત વધી રહી છે.
મજબૂત ચીની કરન્સી: ડૉલર સામે ચીનની કરન્સી વધુ મજબૂત બની છે, જ્યારે રૂપિયો દબાણમાં છે.
કાચા તેલના ભડકે બળતા ભાવ: ઈરાન-અમેરિકા તણાવ અને હોર્મુઝની સામુદ્રધુની બંધ થવાના જોખમે ક્રૂડ ઓઈલ $100 પ્રતિ બેરલની આસપાસ પહોંચી ગયું છે.
FIIની ભારે બિકવાલી: વિદેશી રોકાણકારોએ (FII) આ વર્ષે ભારતીય બજારમાંથી ₹2.2 લાખ કરોડ પાછા ખેંચી લીધા છે.
બચાવ માટે RBIની કવાયત
રૂપિયાને ગગડતો અટકાવવા માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) અને સરકાર એક્શન મોડમાં છે. વિદેશી રોકાણકારોને આકર્ષવા ટેક્સમાં છૂટછાટ, લોકલ કરન્સી ટ્રેડિંગને પ્રોત્સાહન, એનઆરઆઈ (NRI) ડિપોઝિટ સ્કીમના નિયમો સરળ કરવા અને બોન્ડ માર્કેટમાં નવા બોન્ડ જાહેર કરવા જેવા અનેક મહત્વના પગલાં ભરવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો:Iran America Deal: 8 દેશમાં ફસાયા ઈરાનના 120 અબજ ડોલર, ભારત પણ યાદીમાં સામેલ