કેન્દ્ર સરકારે વીમા ક્ષેત્રમાં વિદેશી રોકાણ (FDI) અંગે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે ભારતની ઈન્શ્યોરન્સ કંપનીઓમાં 100% સુધી વિદેશી રોકાણની મંજૂરી આપવામાં આવી છે. આ રોકાણ ઓટોમેટિક રૂટ હેઠળ થશે, એટલે કે પૂર્વ સરકારની મંજૂરીની જરૂર નહીં પડે, પરંતુ નિયમનકારી સંસ્થાની મંજૂરી જરૂરી રહેશે.

LICમાં વિદેશી રોકાણની મર્યાદા પહેલાની જેમ 20% જ રહેશે

સરકારે સ્પષ્ટ કર્યું છે કે Life Insurance Corporation of India (LIC) પર આ નિયમ લાગુ નહીં થાય. LICમાં વિદેશી રોકાણની મર્યાદા પહેલાની જેમ 20% જ રહેશે. IRDAIની મંજૂરી અને દેખરેખ હેઠળ જ આ રોકાણ કરવામાં આવશે, જેથી તમામ નિયમોનું પાલન થાય. આ ફેરફાર ‘સબકા બીમા, સબકી સુરક્ષા (સંશોધન) કાયદો 2025’ હેઠળ કરવામાં આવ્યો છે, જેનો હેતુ વીમા ક્ષેત્રને વધુ મજબૂત બનાવવાનો અને રોકાણ આકર્ષવાનો છે.

FEMA નિયમોનું પાલન કરવું પડશે

નવી માર્ગદર્શિકા મુજબ, વિદેશી રોકાણ ધરાવતી કંપનીમાં ચેરમેન, મેનેજિંગ ડિરેક્ટર અથવા CEO જેવી મહત્વપૂર્ણ પદ પર ઓછામાં ઓછો એક ભારતીય નાગરિક હોવો ફરજિયાત રહેશે. ઉપરાંત, વિદેશી હિસ્સેદારી વધારતી કંપનીઓએ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)ના FEMA નિયમોનું પાલન કરવું પડશે. આ નિર્ણયથી વીમા ક્ષેત્રમાં સ્પર્ધા વધવાની અને ગ્રાહકોને વધુ સારી સેવાઓ મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : Business News : 304 કરોડની ખોટમાંથી 1,942 કરોડના નફામાં આવી કંપની, 4 મેના રોજ શેર પર જોવા મળશે અસર