વૈશ્વિક બજારની બદલાતી પરિસ્થિતિ અને પુરવઠાના વ્યવસ્થિત સંચાલન માટે કેન્દ્ર સરકાર અને તેલ કંપનીઓએ ઘરેલુ ગેસ સિલિન્ડર (LPG) બુકિંગના નિયમોમાં મહત્વના ફેરફાર કર્યા છે. નવા નિયમ મુજબ, હવે ગ્રાહકો એક સિલિન્ડર મેળવ્યા બાદ બીજું સિલિન્ડર 21 દિવસ પૂરા થયા પહેલા મેળવી શકશે નહીં.
જાણી લો આ રહ્યો નવો નિયમ
અગાઉ બે સિલિન્ડર વચ્ચેનો બુકિંગ સમયગાળો 15 દિવસનો હતો, જેને હવે વધારીને 21 દિવસ કરવામાં આવ્યો છે. ગેસ એજન્સીઓના સોફ્ટવેરમાં આ ફેરફાર તાત્કાલિક અસરથી લાગુ કરી દેવામાં આવ્યો છે. જોકે, ગ્રાહકો બુકિંગ વહેલું કરી શકશે, પરંતુ તેની ડિલિવરી 21 દિવસનો સમયગાળો પૂર્ણ થયા બાદ જ કરવામાં આવશે. ભવિષ્યમાં મંત્રાલય એવી પણ વિચારણા કરી રહ્યું છે કે 21 દિવસ પૂરા થયા પછી જ બુકિંગ કરવાની મંજૂરી આપવામાં આવે.
વાર્ષિક ક્વોટા અને ડિલિવરીનો સમય
હાલના નિયમ મુજબ, એક ગ્રાહક વર્ષ દરમિયાન (1 એપ્રિલથી 31 માર્ચ) કુલ 15 સિલિન્ડર મેળવી શકે છે, જેમાં ૧૨ સબસિડીવાળા અને 3 બિન-સબસિડીવાળા સિલિન્ડરનો સમાવેશ થાય છે. તેલ કંપનીઓએ સ્પષ્ટ કર્યું છે કે બુકિંગ થયાના 24 કલાકમાં ગ્રાહકને સિલિન્ડર પહોંચાડવાનું ફરજિયાત રહેશે, જેથી લોકોને મુશ્કેલી ન પડે.
ગભરાવાની જરૂર નથી
તંત્ર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ ફેરફાર માત્ર વ્યવસ્થા જાળવવા માટે છે, સિલિન્ડરની કોઈ અછત નથી. પુરવઠો જળવાઈ રહે તે માટે બોટલિંગ પ્લાન્ટ રવિવારે પણ કાર્યરત રાખવાનો નિર્ણય લેવાયો છે. ગ્રાહકોને પૂરતા પ્રમાણમાં ગેસ મળતો રહેશે, માત્ર બે રિફિલ વચ્ચેના સમયનું આયોજન સમજવું જરૂરી છે.
આ પણ વાંચોઃ Petrol Diesel Price Today: શું પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને જશે! જાણો આજનો લેટેસ્ટ રેટ