ભારત સરકારના નાગરિક ઉડ્ડયન મંત્રાલયે એક મહત્વપૂર્ણ નિર્ણય લેતા ડોમેસ્ટિક (આંતરિક) હવાઈ મુસાફરી પર લાદવામાં આવેલી કામચલાઉ ભાડાની મર્યાદાને હટાવી દીધી છે. આ નવો નિયમ આવતીકાલ એટલે કે સોમવાર, 23 માર્ચ, 2026 થી અમલી બનશે. આ નિર્ણય બાદ હવે એરલાઇન્સ કંપનીઓ બજારની માંગ અને પૂરવઠાના આધારે પોતાની ટિકિટના ભાવ નક્કી કરવા માટે સ્વતંત્ર રહેશે.
કેમ લાદવામાં આવી હતી મર્યાદા?
ગત 6 ડિસેમ્બર ના રોજ ઈન્ડિગો એરલાઇન્સમાં સર્જાયેલી આંતરિક કટોકટીને કારણે સેંકડો ફ્લાઇટ્સ રદ કરવી પડી હતી. વિમાનોની અછત સર્જાતા એરલાઇન્સ કંપનીઓએ ટિકિટના ભાવમાં રાતોરાત અસહ્ય વધારો ઝીંકી દીધો હતો. મુસાફરોને લૂંટાતા બચાવવા માટે સરકારે તાત્કાલિક અસરથી હવાઈ ભાડા પર એક મર્યાદા (Upper limit) નક્કી કરી દીધી હતી. હવે જ્યારે વિમાની સેવાઓ ફરી સામાન્ય થઈ ગઈ છે, ત્યારે સરકારે આ પ્રતિબંધો દૂર કરવાનો નિર્ણય લીધો છે.
એરલાઇન્સને કડક સૂચના: મનસ્વી ભાવ નહીં ચાલે
ભાડાની મર્યાદા હટાવવાનો અર્થ એ નથી કે એરલાઇન્સ કંપનીઓ ગમે તેટલો ચાર્જ વસૂલી શકશે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે તમામ એરલાઇન્સને કડક શબ્દોમાં ચેતવણી આપી છે કે તેમણે જવાબદારીપૂર્વક કાર્ય કરવું પડશે. ભાડા પારદર્શક અને વાજબી હોવા જોઈએ. ખાસ કરીને તહેવારો, વેકેશન અથવા કોઈ કટોકટીના સમયે ભાવમાં કરવામાં આવતો તોતિંગ વધારો સહન કરવામાં આવશે નહીં.
સરકારની બાજ નજર
મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે તે હવાઈ ભાડામાં થતી વધઘટનું સતત નિરીક્ષણ (Monitoring) કરશે. જો એવું જણાશે કે એરલાઇન્સ કંપનીઓ ગેરવાજબી રીતે ભાવ વધારી રહી છે અથવા મુસાફરોનું શોષણ કરી રહી છે, તો સરકાર જાહેર હિતમાં ફરીથી પ્રતિબંધો લાદતા અચકાશે નહીં. સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય એરલાઇન્સને સ્પર્ધાત્મક વાતાવરણ પૂરું પાડવાની સાથે પ્રવાસીઓના હિતોનું રક્ષણ કરવાનો પણ છે.
શું ટિકિટના ભાવ વધશે?
નિષ્ણાંતોનું માનવું છે કે ઓફ-સીઝન દરમિયાન મુસાફરોને સસ્તી ટિકિટોનો લાભ મળી શકે છે, કારણ કે એરલાઇન્સ ગ્રાહકોને આકર્ષવા માટે ભાવ ઘટાડશે. જોકે, વ્યસ્ત રૂટ અને મુસાફરીના પીક અવર્સ દરમિયાન ભાવમાં થોડો ઉછાળો જોવા મળી શકે છે. એકંદરે, હવે વિમાનની ટિકિટના ભાવ સંપૂર્ણપણે 'ડિમાન્ડ અને સપ્લાય' ના ગણિત પર આધારિત રહેશે.
આ પણ વાંચોઃ Petrol Diesel Price Today: પેટ્રોલ-ડીઝલના ભાવમાં ભડકો? યુદ્ધના તણાવ વચ્ચે જાણો આજે 22 માર્ચના ગુજરાતના લેટેસ્ટ રેટ