યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) એ સફળતાપૂર્વક 10 વર્ષ પૂર્ણ કર્યા છે અને તે વિશ્વની સૌથી મોટી રિયલ-ટાઇમ પેમેન્ટ સિસ્ટમ બની ગયું છે. વર્ષ 2016-17માં વાર્ષિક 1.78 કરોડથી શરૂ થયેલા UPI ટ્રાન્ઝેક્શન 10 વર્ષમાં લગભગ 13,000 ગણા વધીને 2025-26માં 2,41,620 કરોડ સુધી પહોંચી ગયા છે, જ્યારે ટ્રાન્ઝેક્શન મૂલ્ય 314 ટ્રિલિયન રૂપિયા થઈ ગયું છે. આજે UPI 11 દેશોમાં કાર્યરત છે. PM નરેન્દ્ર મોદીએ પણ આ સિદ્ધિની પ્રશંસા કરતા જણાવ્યું કે 10 વર્ષ પહેલાં શરૂ થયેલું UPI ભારતની ડિજિટલ પેમેન્ટ યાત્રામાં એક મહત્વપૂર્ણ વળાંક સાબિત થયું છે, જેના પર દરેક ભારતીયને ગર્વ હોવો જોઈએ.

પ્રથમ ટ્રાન્ઝેક્શન અને UPI નો ઉદ્ભવ

UPI નો પ્રથમ ટ્રાન્ઝેક્શન 11 એપ્રિલ 2016 ના રોજ થયો હતો, જ્યારે RBI ના તત્કાલીન ગવર્નર રઘુરામ રાજને NPCI ના તત્કાલીન MD અને CEO એ.પી. હોતાને રૂ.5,000 ટ્રાન્સફર કર્યા હતા. ત્યારબાદ ઓગસ્ટ 2016 માં તેને સત્તાવાર રીતે આમ જનતા માટે લોન્ચ કરવામાં આવ્યું હતું. NPCI ના ફાઉન્ડિંગ ચીફ એ.પી. હોતાના જણાવ્યા મુજબ, IMPS સિસ્ટમની મર્યાદાઓને દૂર કરીને મરચંટ પેમેન્ટને સરળ બનાવવા, ઇ-કોમર્સ ફેલિયર ઘટાડવા અને ઓપન-સોર્સ API ને અપનાવવા માટે IMPS ના સેટલમેન્ટ એન્જિનનો ઉપયોગ કરીને એક નવું સોલ્યુશન બનાવવામાં આવ્યું હતું, જે UPI તરીકે ઉભરી આવ્યું.

ઓપન પ્રોટોકોલ અને ટેકનોલોજી આધારિત સફળતા

UPI ને સફળ બનાવવામાં નંદન નિલેકણી, પ્રમોદ વર્મા અને NPCI ના વર્તમાન ચીફ દિલીપ અસ્બેનું મહત્વનું યોગદાન રહ્યું છે. આ સિસ્ટમ એક વિશાળ સેન્ટ્રલાઇઝ્ડ ડેટાબેઝના બદલે ડીસેન્ટ્રલાઇઝ્ડ અને ઓપન પ્રોટોકોલ પર ડિઝાઇન કરવામાં આવી છે, જે સામેલ બેંકો વચ્ચે રિયલ-ટાઇમમાં પેમેન્ટ એડ્રેસ પ્રોસેસ કરે છે. આ ઓપન API અને થર્ડ-પાર્ટી એપ્લિકેશન મોડેલના કારણે જ UPI ને આટલો મોટો સ્કેલ મળ્યો છે, જેના પરિણામે આજે વિશ્વમાં થતા દર બે રિયલ-ટાઇમ પેમેન્ટમાંથી લગભગ એક ટ્રાન્ઝેક્શન ભારતના UPI પ્લેટફોર્મ પર થાય છે.

આ પણ વાંચો : Vodafone-Ideaનું ટેક્સ રિફંડ રોકવા બદલ IT વિભાગને દિલ્હી HCની ફટકાર