ટેક્સ રિફંડમાં વિલંબને લઈને દિલ્હી હાઈકોર્ટે ઈન્કમ ટેક્સ વિભાગને કડક ફટકાર લગાવી છે. કોર્ટે વોડાફોન આઈડિયાને ₹53.09 કરોડનું રિફંડ લાગુ પડતા વ્યાજ સાથે ચૂકવવાનો આદેશ આપ્યો છે. જસ્ટિસ દિનેશ મહેતા અને જસ્ટિસ રજનીશ કુમાર ગુપ્તાની ડિવિઝન બેન્ચે 18 ઓગસ્ટના આદેશમાં જણાવ્યું કે 30 સપ્ટેમ્બર 2026 સુધીમાં કંપનીને રકમ મળી જવી જોઈએ.
ટ્રિબ્યુનલે કંપનીની તરફેણમાં અનેક ચુકાદા આપ્યા
કોર્ટે ચેતવણી આપી છે કે જો નિર્ધારિત સમયમર્યાદામાં રિફંડની રકમ કંપનીના ખાતામાં નહીં પહોંચે તો વૈધાનિક વ્યાજ ઉપરાંત દર મહિને 1 ટકા વધારાનું વ્યાજ ચૂકવવું પડશે. આ મામલો એસેસમેન્ટ યર 2003-04થી 2013-14 વચ્ચેના ટેક્સ રિફંડ સાથે સંબંધિત છે. વોડાફોન આઈડિયાએ આવકવેરા અપેલેટ ટ્રિબ્યુનલ (ITAT) સમક્ષ લાંબી કાનૂની લડત લડી હતી. એપ્રિલ 2024થી ફેબ્રુઆરી 2025 દરમિયાન ટ્રિબ્યુનલે કંપનીની તરફેણમાં અનેક ચુકાદા આપ્યા હતા. તેના આધારે એસેસિંગ ઓફિસરે ₹53.09 કરોડનું રિફંડ નક્કી કર્યું હતું.
