વૈશ્વિક ઓટોમોબાઈલ ક્ષેત્રમાંથી એક અત્યંત આઘાતજનક અને મોટા સમાચાર સામે આવ્યા છે. વિશ્વની અગ્રણી કાર ઉત્પાદક કંપનીઓમાંની એક એવી ફોક્સવેગન હાલમાં ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહી છે. કંપનીના વધતા ખર્ચ અને નુકસાનને કાબૂમાં લેવા માટે મેનેજમેન્ટે એક કઠોર પગલું ભરવાનું નક્કી કર્યું છે. યોજના અનુસાર, કંપની આશરે 1,00,000 જેટલા કર્મચારીઓને છૂટા કરવાની અને વાર્ષિક ઉત્પાદનમાં 50,000 કારનો ઘટાડો કરવાની તૈયારી કરી રહી છે.

સીઈઓ ઓલિવર બ્લુમે લીધેલા નિર્ણયથી ખળભળાટ

કંપનીના સીઈઓ ઓલિવર બ્લુમ દ્વારા લેવાયેલા આ નિર્ણયોથી ફોક્સવેગનમાં ખળભળાટ મચી ગયો છે. કર્મચારીઓમાં ભારે રોષ છે અને કંપનીના શક્તિશાળી ટ્રેડ યુનિયને સીધી રાષ્ટ્રવ્યાપી હડતાળની ધમકી આપી છે. આટલી મોટી કંપની અચાનક આટલી મુશ્કેલ સ્થિતિમાં કેમ મુકાઈ ગઈ, તેને સમજવા માટે કંપની સામેના કેટલાક મુખ્ય પડકારોને જોવા જરૂરી છે.

ચીની બજારમાં કંપનીને લાગેલો ઝટકો

પ્રથમ મુખ્ય કારણ ચીની બજારમાં કંપનીને લાગેલો મોટો આંચકો છે. ચીનનો ઓટો ઉદ્યોગ અત્યંત ઝડપથી વિકસ્યો છે અને સ્થાનિક ઇલેક્ટ્રિક કારોનું ચલણ વધતાં ફોક્સવેગનના વેચાણમાં ભારી ઘટાડો નોંધાયો છે. બીજું મોટું કારણ જર્મનીમાં ઉત્પાદન ખર્ચનું વધુ હોવું છે. હાલમાં ફોક્સવેગનનો ઉત્પાદન ખર્ચ તેના અન્ય વૈશ્વિક સ્પર્ધકો કરતા આશરે 30% વધારે છે. તદુપરાંત, કંપનીએ પોતાના નફાના માર્જિનને 9% સુધી લઈ જવા માટે 10 બિલિયન યુરોના ખર્ચમાં ઘટાડો કરવાનું મોટું લક્ષ્ય રાખ્યું છે. આ લક્ષ્યને હાંસલ કરવા માટે કાર મોડેલો અને અધિકારીઓની સંખ્યામાં પણ કાપ મૂકવાની તૈયારી છે.

ખર્ચ ઘટાડવાની નીતિ સામે કર્મચારીઓએ ચઢાવી બાંય

સીઈઓ ઓલિવર બ્લુમની આ ખર્ચ ઘટાડવાની નીતિ સામે કંપનીના કર્મચારીઓ અને ટ્રેડ યુનિયન 'આઈજી મેટલ' દ્વારા ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે. યુનિયનના નેતાઓનું સ્પષ્ટ માનવું છે કે 9% નફાનું લક્ષ્ય એક કાલ્પનિક દુનિયા સમાન છે. યુનિયનનો આરોપ છે કે મેનેજમેન્ટે સોફ્ટવેર વિકાસ, ઇલેક્ટ્રિક વાહનો (EV) અને ચીન સંબંધિત વ્યૂહરચનાઓમાં જે ગંભીર ભૂલો કરી છે, તેની સજા સામાન્ય અને મહેનતુ કામદારોને આપવામાં આવી રહી છે.

યુનિયને માંગ કરી નોકરી સુરક્ષિત રહે

રોષે ભરાયેલા યુનિયને માંગ કરી છે કે જ્યાં સુધી જર્મનીના તમામ પ્લાન્ટ્સના કર્મચારીઓની નોકરી સુરક્ષિત હોવાની લેખિત ગેરંટી આપવામાં નહીં આવે, ત્યાં સુધી આ યોજના પાછી ખેંચાવી જોઈએ. જો મેનેજમેન્ટ આ મામલે કોઈ નમતું વલણ નહીં અપનાવે, તો ફેક્ટરીઓ સંપૂર્ણપણે ઠપ્પ થઈ જશે અને દેશવ્યાપી હડતાળ શરૂ કરવામાં આવશે. આ વિવાદ આગામી સમયમાં ઓટોમોબાઈલ જગતમાં મોટા ફેરફારો લાવવા માટે જવાબદાર બની શકે છે.

આ પણ વાંચોઃ Bihar: પટનામાં વિદ્યાર્થીઓનું વિરોધ પ્રદર્શન, CM આવાસનો ઘેરાવ કરવા જતા પોલીસે રોક્યા