કેન્સરની સારવાર દરમિયાન દવાઓ પાછળ થતો ખર્ચ દર્દીઓ અને તેમના પરિવારો માટે મોટો પડકાર હોય છે. હવે આવા પરિવારોને મોટી રાહત મળી શકે છે. કેન્દ્ર સરકારની નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી (NPPA)એ 137 નોન-શેડ્યૂલ કેન્સર દવાઓ પર વેપાર માર્જિન 30% સુધી મર્યાદિત કર્યું છે. તેના પગલે 85 ફાર્માસ્યુટિકલ કંપનીઓએ 1,364 દવાઓના સુધારેલા મહત્તમ છૂટક ભાવ જાહેર કર્યા છે. નવા ભાવ 9 નવેમ્બર, 2026થી અમલી બન્યા છે. સરકારના અંદાજ પ્રમાણે આ નિર્ણયથી ગ્રાહકોને દર વર્ષે ₹3,540.38 કરોડની બચત થઈ શકે છે. કેટલીક દવાઓના ભાવમાં 96.45% સુધીનો ઘટાડો નોંધાયો છે. 

સરકારે દવાઓના ભાવ ઘટાડવા શું નિર્ણય લીધો?

કેન્સરની કેટલીક દવાઓમાં ઉત્પાદક પાસેથી દવા ખરીદવાની કિંમત અને દર્દીને વેચાતી કિંમત વચ્ચે મોટો તફાવત જોવા મળતો હતો. દવાના વિતરણ અને વેચાણની પ્રક્રિયામાં વેપારીઓનું માર્જિન વધવાથી દર્દીઓએ ઊંચી કિંમત ચૂકવવી પડતી હતી. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને NPPAએ 137 નોન-શેડ્યૂલ કેન્સર દવાઓ પર મહત્તમ છૂટક કિંમત (MRP)માં વેપાર માર્જિન 30% સુધી મર્યાદિત કર્યું છે. આ નિર્ણય 17 ઓક્ટોબર, 2026ના રોજ આરોગ્ય સેવા મહાનિર્દેશાલય (DGHS) હેઠળ રચાયેલી નિષ્ણાત સમિતિની ભલામણના આધારે લેવામાં આવ્યો હતો. અહીં સમજવાની વાત એ છે કે સરકારે દરેક દવાની કિંમતમાં સીધો 30% ઘટાડો કર્યો નથી. દવાની સપ્લાય ચેઇનમાં વેપાર માર્જિન 30% સુધી મર્યાદિત કરાયું છે. તેના પરિણામે અલગ-અલગ બ્રાન્ડની દવાઓના ભાવમાં અલગ પ્રમાણમાં ઘટાડો થયો છે. 

Cancer

કેટલી દવાઓના ભાવ ઘટ્યા?

8 નવેમ્બર, 2026 સુધીના સરકારી આંકડા પ્રમાણે 85 ફાર્મા કંપનીઓએ 121 દવાઓની કુલ 1,364 ફોર્મ્યુલેશનના સુધારેલા ભાવ જાહેર કર્યા હતા. આમાંથી 679 બ્રાન્ડની કિંમતોમાં 50%થી વધુ ઘટાડો નોંધાયો છે. સરકારે જાહેર કરેલા આંકડા પ્રમાણે સૌથી વધુ ભાવઘટાડો 96.45% છે. આ નિર્ણયથી ગ્રાહકોને દર વર્ષે અંદાજે ₹3,540.38 કરોડની બચત થવાની શક્યતા છે. 

સૌથી વધુ ભાવઘટાડો ધરાવતી 10 દવાઓ

સરકારે જાહેર કરેલી મુખ્ય બ્રાન્ડની યાદીમાં કેટલીક દવાઓના જૂના અને નવા ભાવ વચ્ચે મોટો તફાવત છે. નીચેની યાદી PIB દ્વારા જાહેર કરાયેલા ભાવના આધારે તૈયાર કરવામાં આવી છે. ઘટાડાની ટકાવારી જૂની અને નવી MRPની સરખામણી કરીને ગણવામાં આવી છે.

Cancer

કયા પ્રકારના કેન્સરની દવાઓ સસ્તી થઈ?

આ ભાવઘટાડો માત્ર એક પ્રકારના કેન્સરની દવાઓ પૂરતો મર્યાદિત નથી. તેમાં અલગ-અલગ પ્રકારની સારવારમાં વપરાતી દવાઓનો સમાવેશ થાય છે.

• સ્તન કેન્સર: પાલબોસિક્લિબ, ફુલવેસ્ટ્રન્ટ અને ડેનોસુમેબ જેવી દવાઓ.

• પ્રોસ્ટેટ કેન્સર: અબિરાટેરોન અને એન્ઝાલુટામાઇડ જેવી દવાઓ.

• ફેફસાં, આંતરડાં, અંડાશય અને ગર્ભાશયના મુખનું કેન્સર: બેવાસિઝુમેબ જેવી દવાઓ.

• બ્લડ કેન્સર: અઝાસિટિડિન જેવી દવાઓ.

• સારવાર દરમિયાન થતી કેટલીક આડઅસરો: પેગફિલગ્રાસ્ટિમ જેવી દવા, જે કેન્સરના દર્દીઓમાં ન્યુટ્રોપેનિયા અટકાવવામાં મદદ કરે છે.

આ ઉપરાંત ઇમ્યુનોથેરાપીમાં વપરાતી દવાઓનો પણ આ પહેલમાં સમાવેશ થાય છે. સરકારના જણાવ્યા પ્રમાણે 137 દવાઓની યાદીમાં એવી દવાઓ પણ છે, જે 20થી વધુ પ્રકારના કેન્સરની સારવારમાં વપરાય છે. 

દર્દીઓને દર વર્ષે ₹3,540 કરોડની બચત કેવી રીતે થશે?

કેન્સરની સારવાર ઘણી વખત લાંબા સમય સુધી ચાલે છે. કેટલાક દર્દીઓને મહિનાઓ સુધી નિયમિત દવાઓ લેવી પડે છે, જ્યારે કેટલાકને ઇન્જેક્શન અને અન્ય મોંઘી દવાઓની જરૂર પડે છે. આવી સ્થિતિમાં એક દવાના ભાવમાં ઘટાડો પણ લાંબા ગાળે મોટું આર્થિક અંતર ઊભું કરી શકે છે. સરકારના અંદાજ પ્રમાણે નવી કિંમતોને કારણે ગ્રાહકોને દર વર્ષે ₹3,540.38 કરોડની બચત થશે. જોકે, દરેક દર્દીને સમાન બચત થશે એવું નથી. દર્દી કઈ દવા લે છે, કઈ બ્રાન્ડ વાપરે છે, કેટલી માત્રામાં દવા લે છે અને સારવાર કેટલો સમય ચાલે છે તેના આધારે બચત નક્કી થશે. 
Cancer

2019માં પણ સરકારે આવો નિર્ણય લીધો હતો

કેન્સરની દવાઓના ભાવ ઘટાડવા માટે સરકારનો આ પહેલો પ્રયાસ નથી. વર્ષ 2019માં NPPAએ 42 નોન-શેડ્યૂલ કેન્સર દવાઓ પર 30% ટ્રેડ માર્જિનની મર્યાદા લાગુ કરી હતી. તે સમયે 526 બ્રાન્ડની દવાઓના ભાવમાં ઘટાડો થયો હતો અને કેટલીક દવાઓ 90% સુધી સસ્તી થઈ હતી.

જોકે, ત્યાર પછી કેટલીક દવાઓમાં વેપાર માર્જિન ફરી વધ્યું હોવાના અહેવાલો સામે આવ્યા હતા. આથી માત્ર એક વખત ભાવ ઘટાડવાથી લાંબા ગાળે રાહત જળવાઈ રહે તે જરૂરી નથી. નવી વ્યવસ્થામાં નિયમોનું સતત પાલન થાય છે કે નહીં તેના પર પણ નજર રાખવી પડશે.

આ પણ વાંચો: India GDP: ભારતની અર્થવ્યવસ્થાને મોટું બળ! ઊર્જા સંકટ વચ્ચે પણ GDP વૃદ્ધિ 7% રહેવાનો અંદાજ