અનિલ અગ્રવાલની આગેવાની હેઠળના વેદાંતા ગ્રુપની અનેક ઓફિસ પર ED દ્વારા વિદેશી મુદ્રા વ્યવસ્થાપન કાયદા (FEMA) હેઠળ તપાસ હાથ ધરવામાં આવી છે. EDના સૂત્રોના જણાવ્યા મુજબ આ કાર્યવાહી મની લોન્ડરિંગ નહીં પરંતુ FEMA નિયમોના સંભવિત ઉલ્લંઘન સાથે સંબંધિત છે. વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું કે દિલ્હી અને મુંબઈમાં વેદાંતા ગ્રુપ સાથે સંકળાયેલા બે સ્થળોએ તપાસ કરવામાં આવી હતી. આ કાર્યવાહી સોમવારે શરૂ થઈ હતી અને હવે પૂર્ણ થઈ ગઈ છે. તપાસ દરમિયાન EDએ વિવિધ દસ્તાવેજો અને નાણાકીય રેકોર્ડ એકત્ર કર્યા છે.
EDએ અન્ય રેકોર્ડની સમીક્ષા કરી
તપાસનું મુખ્ય કારણ વેદાંતા ગ્રુપની કેટલીક કંપનીઓ દ્વારા તેમની મૂળ કંપનીને કરવામાં આવેલી કથિત “બ્રાન્ડ ફી” ચુકવણીઓ છે. તપાસ એ બાબતની થઈ રહી છે કે બ્રાન્ડના ઉપયોગ બદલ કરવામાં આવેલી આ ચૂકવણીઓ FEMAના નિયમો મુજબ હતી કે નહીં. તપાસ અધિકારીઓ આ ચૂકવણીઓ સંબંધિત નાણાકીય દસ્તાવેજો, કરારો અને અન્ય રેકોર્ડની સમીક્ષા કરી રહ્યા છે. હવે ED એકત્રિત થયેલા પુરાવાઓનું વિશ્લેષણ કરીને આગળની કાર્યવાહી અંગે નિર્ણય લેશે.
શું કહ્યું વેદાંતા કંપનીએ?
વેદાંતાના પ્રવક્તાએ જણાવ્યું કે કંપની તપાસ એજન્સીઓને સંપૂર્ણ સહકાર આપી રહી છે અને માંગવામાં આવેલી તમામ માહિતી ઉપલબ્ધ કરાવી રહી છે. કંપનીએ કહ્યું કે તે તમામ લાગુ કાયદા અને નિયમોનું પાલન કરવા માટે પ્રતિબદ્ધ છે. ગત મહિને વેદાંતા લિમિટેડે સ્ટોક એક્સચેન્જોને માહિતી આપી હતી કે સુપ્રીમ કોર્ટે તેની સહાયક કંપની Talwandi Sabo Power Limited વિરુદ્ધ એક કેસમાં નિર્ણય આપ્યો છે. આ કેસ વીજળીની ઉપલબ્ધતા અંગે કથિત ખોટી માહિતી આપવાના મુદ્દા સાથે સંબંધિત હતો. આ નિર્ણય મુજબ TSPLને અંદાજે 127 કરોડ રૂપિયાનો દંડ તેમજ લાગુ પડતો વિલંબ શુલ્ક ચૂકવવો પડશે.
FEMA શું છે?
Foreign Exchange Management Act (FEMA) હેઠળ વિદેશી ચલણ સંબંધિત લેવડદેવડનું નિયમન કરવામાં આવે છે. હાલમાં ED દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી FEMA સંબંધિત તપાસનો ભાગ છે અને હજુ સુધી કોઈ સત્તાવાર આરોપ કે દંડની જાહેરાત કરવામાં આવી નથી. તપાસ પૂર્ણ થયા બાદ જ આગળની કાનૂની કાર્યવાહી અંગે સ્પષ્ટતા થશે.
આ પણ વાંચો : Stock Market Today: ઇરાન અમેરિકા ટેન્શનથી શેરબજારમાં હાહાકાર, રોકાણકારોના 3.75 લાખ કરોડ સ્વાહા