EPFOએ વર્ષ 2025-26 દરમિયાન ક્લેમ સેટલમેન્ટમાં નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે. આ વર્ષમાં સંસ્થાએ કુલ 8.31 કરોડ પીએફ ક્લેમ્સનું નિવારણ કર્યું છે, જ્યારે ગયા વર્ષમાં આ આંકડો 6.01 કરોડ હતો. એટલે કે આ વખતે અગાઉના વર્ષોની તુલનામાં ઘણાં વધુ કર્મચારીઓને સમયસર તેમનો પીએફ મળ્યો છે. આ સિદ્ધિ પાછળ નવી ટેકનોલોજીનો ઉપયોગ અને સુધારેલી પ્રક્રિયાઓને મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે.

મંત્રીએ આધુનિક ડિજિટલ સિસ્ટમ સમજાવી

હવે પીએફ ક્લેમ કરવાની પ્રક્રિયા વધુ સરળ, ઝડપી અને પારદર્શક બની છે. ડિજિટલ સિસ્ટમના કારણે દસ્તાવેજોની ચકાસણી અને મંજૂરી પ્રક્રિયામાં પણ ઝડપ આવી છે, જેના કારણે કર્મચારીઓને લાંબી રાહ જોવી પડતી નથી. કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં પ્રોવિડન્ટ ફંડ (PF) ખાતાધારકો માટે મોટી રાહત લાવવાની તૈયારીમાં છે. મજૂર અને રોજગાર મંત્રી મનસુખ માંડવીયાએ ‘ઈ-પ્રાપ્તિ’ નામના નવા ડિજિટલ પોર્ટલની જાહેરાત કરી છે, જે દ્વારા જૂના અને નિષ્ક્રિય PF ખાતાઓને સરળતાથી ટ્રેક કરી શકાશે.

બંધ પડેલા ખાતાના નાણાં પાછા મળશે

મંત્રીએ જણાવ્યું કે ઘણી વખત કર્મચારીઓ નોકરી બદલતા સમયે પોતાનું PF ખાતું ભૂલી જાય છે અથવા જરૂરી વિગતો ઉપલબ્ધ ન હોવાથી તે ખાતા સુધી પહોંચી શકતા નથી. નવી ‘ઈ-પ્રાપ્તિ’ સિસ્ટમ આવી સમસ્યાઓને દૂર કરશે. ખાસ કરીને, હવે યુનિફાઈડ એકાઉન્ટ નંબર (UAN) વગર પણ PF ખાતા શોધી શકાશે, જે કરોડો કર્મચારીઓ માટે ખૂબ ઉપયોગી સાબિત થશે. આ પોર્ટલમાં આધાર કાર્ડ આધારિત ડિજિટલ ટ્રેકિંગ સુવિધા આપવામાં આવશે. એટલે કે, કર્મચારીઓ પોતાના આધાર નંબર દ્વારા જુદા જુદા સ્થળોએ બનાવાયેલા PF ખાતાઓને એક સાથે જોઈ શકશે.

કરોડો કર્મચારીઓને આનાથી મોટો ફાયદો થશે

આથી વર્ષો જૂના અને બંધ પડેલા ખાતાઓમાં જમા થયેલા નાણાં પણ ફરી મેળવવા સરળ બનશે. સરકારે આ પહેલને ડિજિટલ ગવર્નન્સ તરફનું મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું છે. મંત્રીએ જણાવ્યું કે આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી PF સંબંધિત પ્રક્રિયાઓને વધુ પારદર્શક અને ઝડપી બનાવવામાં આવશે. આ સિસ્ટમ અમલમાં આવ્યા બાદ કરોડો કર્મચારીઓને સીધો લાભ મળશે અને તેઓ પોતાના હક્કના પૈસા સરળતાથી મેળવી શકશે. ‘ઈ-પ્રાપ્તિ’ પોર્ટલ લોન્ચ થયા પછી PF ખાતા મેનેજમેન્ટ વધુ સરળ બનવાની સાથે કર્મચારીઓ માટે એક વિશ્વસનીય ડિજિટલ પ્લેટફોર્મ ઉપલબ્ધ થશે.

આ પણ વાંચો : Vedanta Q4 Results : માઈનિંગ કંપનીનો નફો 92 ટકા વધ્યો, શેરના ભાવમાં આવ્યો 5 ટકાનો વધારો