આ વર્ષે ઉનાળાની રજાઓમાં ફરવા જવાનું વિચારી રહેલા પ્રવાસીઓ માટે માઠા સમાચાર છે. જેટ ફ્યુઅલની વધતી કિંમતો અને એરલાઇન્સ દ્વારા ફ્લાઈટ્સમાં કરવામાં આવેલા ઘટાડાને કારણે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બંને રૂટ પર હવાઈ ભાડામાં ૪૦ થી ૫૦ ટકાનો જંગી વધારો થયો છે. ખાસ કરીને હીટવેવથી બચવા ઠંડા પ્રદેશોમાં જનારા લોકોના બજેટ પર આની સીધી અસર પડી છે.
મોંઘવારીનો માર
રિપોર્ટ અનુસાર, દિલ્હીથી લેહ જતી ફ્લાઈટના ભાડામાં વાર્ષિક ધોરણે ૭૪ ટકાનો વધારો થયો છે, જ્યારે શ્રીનગર અને શિમલા માટેની ટિકિટો ૬૦ થી ૬૮ ટકા મોંઘી થઈ છે. આંતરરાષ્ટ્રીય સ્તરે પણ સ્થિતિ ગંભીર છે; લંડન અને પેરિસની ફ્લાઈટના ભાડામાં ૫૩ ટકાનો વધારો નોંધાયો છે, જ્યારે થાઈલેન્ડ અને સિંગાપોર જેવા લોકપ્રિય સ્થળો માટેના ભાડામાં ૪૦ ટકાથી વધુનો ઉછાળો આવ્યો છે.
ભાડા વધવા પાછળના કારણો
એવિએશન નિષ્ણાતોના મતે, જેટ ફ્યુઅલની કિંમતોમાં થયેલો ૮૦ ટકાનો તોતિંગ વધારો આ માટે મુખ્ય જવાબદાર છે. આ ઉપરાંત, પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવને કારણે લાંબા રૂટ લેવા પડતા હોવાથી ઇંધણનો ખર્ચ વધ્યો છે. ઈન્ડિગો અને એર ઈન્ડિયા જેવી મોટી એરલાઈન્સે પણ તેમની ફ્લાઈટ ક્ષમતામાં ઘટાડો કર્યો છે, જેની સીધી અસર ટિકિટના ભાવ પર પડી છે.
પ્રવાસીઓ બદલી રહ્યા છે ડેસ્ટિનેશન
મોંઘા ભાડાને કારણે હવે ભારતીય પ્રવાસીઓ યુરોપ કે અમેરિકાને બદલે વિયેતનામ, શ્રીલંકા, નેપાળ અને મલેશિયા જેવા બજેટ-ફ્રેન્ડલી અને વિઝા-ફ્રી દેશો પસંદ કરી રહ્યા છે. ઘરેલુ પર્યટનમાં ઋષિકેશ, કુર્ગ અને શિલોંગ જેવા સ્થળો માટે એડવાન્સ બુકિંગમાં ૨૫ ટકાનો ઉછાળો જોવા મળ્યો છે.
આ પણ વાંચો:MS Dhoni: ટેક્સ ભરવામાં પણ ધોની નંબર-1,બિહાર-ઝારખંડમાં ચૂકવ્યો 50 કરોડથી વધુનો ટેક્સ!