ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ સુકાની મહેન્દ્ર સિંહ ધોનીએ ક્રિકેટના મેદાન બાદ હવે ટેક્સની દુનિયામાં પણ એક મોટો રેકોર્ડ બનાવ્યો છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લીધા હોવા છતાં, 'થાલા'ની કમાણીમાં કોઈ ઘટાડો થયો નથી. તાજેતરના અહેવાલો અનુસાર, ધોની બિહાર અને ઝારખંડ રાજ્યમાં વ્યક્તિગત શ્રેણીમાં સૌથી વધુ ટેક્સ ચૂકવનાર કરદાતા બન્યા છે.
50 કરોડથી વધુનો એડવાન્સ ટેક્સ
ધોની ભલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દૂર હોય, પરંતુ બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ્સ, આઈપીએલ (IPL) અને વિવિધ બિઝનેસ વેન્ચર્સ દ્વારા તેમની આવક સતત વધી રહી છે. મુખ્ય આવકવેરા કમિશનર ડો. ડી. સુધાકર રાવના જણાવ્યા અનુસાર, ધોનીએ ગત નાણાકીય વર્ષમાં 50 કરોડ રૂપિયાથી વધુનો એડવાન્સ ટેક્સ જમા કરાવ્યો છે. આ આંકડો દર્શાવે છે કે નિવૃત્તિ પછી પણ તેમની આર્થિક મજબૂતી યથાવત છે.
બિહાર-ઝારખંડમાં રેકોર્ડ ટેક્સ કલેક્શન
નાણાકીય વર્ષ 2025-2026 દરમિયાન બિહાર અને ઝારખંડમાં કુલ 20,000 કરોડ રૂપિયાનું ઐતિહાસિક ટેક્સ કલેક્શન થયું છે. જેમાં ઝારખંડનો ફાળો 12,000 કરોડ રૂપિયા રહ્યો છે. ખાસ વાત એ છે કે આ કુલ કલેક્શનના અંદાજે 70 ટકા રકમ સીધી ટીડીએસ (TDS) દ્વારા જમા થઈ છે. સેન્ટ્રલ કોલફિલ્ડ્સ લિમિટેડ (CCL) અને બીસીસીએલ (BCCL) જેવી સરકારી કંપનીઓએ પણ સરકારી તિજોરીમાં મોટું યોગદાન આપ્યું છે.
ટેક્સ રિટર્ન ભરનારાઓની ઓછી સંખ્યા
આંકડાઓ એક ચોંકાવનારી હકીકત પણ દર્શાવે છે. બિહાર અને ઝારખંડમાં અંદાજે 5.5 કરોડ લોકો પાસે પાન કાર્ડ છે, પરંતુ તેની સામે માત્ર 40 લાખ લોકો જ ઇન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઇલ કરે છે. આ તફાવતને ઘટાડવા માટે હવે આવકવેરા વિભાગ વિશેષ જાગૃતિ કાર્યક્રમો શરૂ કરવાની તૈયારી કરી રહ્યું છે.
આ પણ વાંચો:Hormuz Strait:હોર્મુઝમાં હવે વસૂલાશે 'ટોલ ટેક્સ'ઈરાનની નવી ટેક્સ એજન્સી વૈશ્વિક વેપારમાં ખળભળાટ