વૈશ્વિક તેલ પુરવઠા અને દરિયાઈ વેપાર માટે સૌથી મહત્વના ગણાતા 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' પર ઈરાને પોતાનું નિયંત્રણ મજબૂત કર્યું છે. ઈરાને 'પર્શિયન ગલ્ફ સ્ટ્રેટ ઓથોરિટી' નામની એક નવી સરકારી એજન્સીની રચના કરી છે, જે હવે આ માર્ગ પરથી પસાર થતા દરેક જહાજની તપાસ કરશે અને તેમની પાસેથી ટોલ ટેક્સ વસૂલશે. લોયડ લિસ્ટ ઇન્ટેલિજન્સના અહેવાલ મુજબ, ઈરાન આ એજન્સીને એકમાત્ર કાયદેસર સંસ્થા તરીકે રજૂ કરી રહ્યું છે.

વૈશ્વિક બજારમાં ચિંતા અને આશા

ઈરાનના આ પગલાથી આંતરરાષ્ટ્રીય શિપિંગ જગતમાં ફફડાટ ફેલાયો છે, કારણ કે ફારસની ખાડીમાં સેંકડો વ્યાપારી જહાજો ફસાયેલા છે. બીજી તરફ, બે મહિનાથી ચાલી રહેલા યુદ્ધના અંતની આશાએ વૈશ્વિક બજારોમાં થોડી પોઝિટિવ અસર પણ જોવા મળી છે. ઈરાન હાલમાં પાકિસ્તાન દ્વારા મોકલવામાં આવેલા અમેરિકાના શાંતિ પ્રસ્તાવની સમીક્ષા કરી રહ્યું છે.

મધ્યસ્થી તરીકે પાકિસ્તાનની ભૂમિકા

પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફ અને વિદેશ મંત્રી ઈશાક ડાર યુદ્ધવિરામ માટે અમેરિકા અને ઈરાન સાથે સતત સંપર્કમાં છે. ઈરાનના વિદેશ મંત્રાલયે પુષ્ટિ કરી છે કે તેઓ પાકિસ્તાન મારફતે મળેલા સંદેશાઓનો અભ્યાસ કરી રહ્યા છે, જોકે હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય લેવાયો નથી.

સરહદી અશાંતિ યથાવત

શાંતિ વાટાઘાટો વચ્ચે પણ સંઘર્ષ ચાલુ છે. ગુરુવારે ઈરાની દળોએ હોર્મુઝના કેશ્મ ટાપુ પાસે દુશ્મન સાથે ગોળીબાર કર્યો હોવાના અહેવાલ છે. આ ઉપરાંત, દક્ષિણ ઈરાનના બંદર અબ્બાસ પાસે વિસ્ફોટોના અવાજ પણ સંભળાયા હતા. અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિયોએ આ મુદ્દે વેટિકનમાં પોપ લિયો ૧૪મા સાથે પણ મુલાકાત કરી છે.

આ પણ વાંચો:AI બન્યું નોકરીઓનું દુશ્મન, 2026ના માત્ર 5 મહિનામાં 93,000 ટેક કર્મચારીઓએ ગુમાવી આજીવિકા