ભારતની ટેલિકોમ કંપની Vodafone Idea (Vi)ને સરકારે એક મોટી રાહત આપી છે. ટેલિકોમ વિભઆગે (DoT)એ કંપનીના એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુ (AGR) બાકી રકમમાં ભારે ઘટાડો કર્યો છે, જેના કારણે કંપની પરનો નાણાકીય ભાર નોંધપાત્ર રીતે ઓછો થયો છે. નવી ગણતરી મુજબ 31 ડિસેમ્બર 2025 સુધી Vodafone-Ideaનું કુલ AGR બાકી હવે 64,046 કરોડ રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે.

સરકારે બાકી રકમ ચૂકવવાની શરતો પણ સરળ બનાવી

અગાઉ આ રકમ લગભગ 87,695 કરોડ રૂપિયા માનવામાં આવતી હતી. એટલે કે કંપનીને લગભગ 23,000 કરોડ રૂપિયાથી વધુની રાહત મળી છે. સરકારે બાકી રકમ ચૂકવવાની શરતો પણ સરળ બનાવી છે. નવી વ્યવસ્થા હેઠળ કંપનીને તરત મોટી રકમ ચૂકવવાની જરૂર નથી. હવે Vodafone-Ideaને નાણાકીય વર્ષ 2031-32થી શરૂ કરીને 4 વર્ષ સુધી દર વર્ષે ઓછામાં ઓછા 100 કરોડ રૂપિયા ચૂકવવા પડશે. ત્યારબાદ બાકી રકમ 2035-36થી 2040-41 દરમિયાન છ સમાન હપ્તામાં ચૂકવવાની રહેશે.

VI પર કુલ લગભગ 2 લાખ કરોડ રૂપિયાનું દેવું

આ નિર્ણયથી કંપની પર તાત્કાલિક પડતો 16,400 કરોડ રૂપિયાનો ભાર પણ ટળી ગયો છે, જે 2026માં ચૂકવવાનો હતો. આ અગાઉ પણ સરકાર દ્વારા રિલીફ પેકેજ હેઠળ ચુકવણીમાં મુદત આપવામાં આવી હતી અને કેટલાક બાકી રકમને ઇક્વિટી (શેર)માં રૂપાંતરિત કરવામાં આવી હતી. હાલમાં Vodafone-Idea પર કુલ લગભગ 2 લાખ કરોડ રૂપિયાનું દેવું છે. છતાં AGR બાકી ઘટાડવાથી કંપનીને નાણાકીય રીતે થોડી રાહત મળી છે. બજારમાં આ નિર્ણયને સકારાત્મક માનવામાં આવી રહ્યો છે, કારણ કે હવે કંપનીને રોકાણ વધારવા અને નેટવર્ક સુધારવા માટે વધુ તક મળશે. આ રાહતથી કંપનીને રિલાયન્સ જિયો અને ભારતી એરટેલ જેવી મોટી કંપનીઓ સાથે સ્પર્ધા કરવામાં મદદ મળશે.

આ પણ વાંચો : Isha Ambaniએ ખરીદી પ્રિયંકા ચોપરાની બ્રાન્ડ 'Anomaly', જાણો શું છે કંપનીનો બિઝનેસ