કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ, ડીઝલ અને એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF) ની નિકાસ પર લાગતી સ્પેશિયલ એડિશનલ એક્સાઇઝ ડ્યુટી (SAED) ના દરોમાં ફરી એકવાર મોટો સુધારો કરવામાં આવ્યો છે. સરકાર દ્વારા આ અંગેનું સત્તાવાર જાહેરનામું 15 મે, 2026 ના રોજ બહાર પાડવામાં આવ્યું હતું, અને આ નવા દરો આજથી એટલે કે 16 મે, 2026 થી દેશભરમાં લાગુ થઈ ગયા છે.
જાણો, નિકાસ પર લાગતા નવા દરો શું છે?
સરકાર દ્વારા જાહેર કરાયેલા નવા નિયમો અનુસાર ત્રણેય ઇંધણ પર રોડ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેસ (RIC) શૂન્ય રાખવામાં આવ્યો છે. આ ફેરફાર માત્ર વિદેશમાં મોકલવામાં આવતા ઇંધણ (નિકાસ) પર જ લાગુ પડશે. તેથી સ્થાનિક બજારમાં સામાન્ય જનતા માટે વેચાતા પેટ્રોલ અને ડીઝલના ભાવો પર આનાથી કોઈ જ અસર થશે નહીં.
લાદવામાં આવેલા ડ્યુટીના દરો નીચે મુજબ
- પેટ્રોલ: નિકાસ પર પ્રતિ લિટર ₹3 SAED લાગશે.
- ડીઝલ: નિકાસ પર પ્રતિ લિટર ₹16.5 SAED નક્કી કરવામાં આવ્યો છે.
- ATF (વિમાનનું ઇંધણ): નિકાસ પર પ્રતિ લિટર ₹16 ડ્યુટી લાગશે.
ઇતિહાસમાં પહેલીવાર: પેટ્રોલ પર લાગ્યો SAED
આ વખતના સુધારાનું સૌથી મહત્વનું અને અનોખું પાસું એ છે કે દેશના ઇતિહાસમાં પહેલીવાર પેટ્રોલની નિકાસ પર ₹3 પ્રતિ લિટરનો SAED લાદવામાં આવ્યો છે. અત્યાર સુધી પેટ્રોલની નિકાસ સંપૂર્ણપણે ડ્યુટી ફ્રી હતી. પરંતુ વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલ સસ્તું થવા છતાં રિફાઇનરીઓ માટે પેટ્રોલની નિકાસ ખૂબ જ નફાકારક રહી છે. આ જ કારણ છે કે સરકારે સ્થાનિક પુરવઠો જાળવી રાખવા માટે પહેલીવાર પેટ્રોલને પણ આ ટેક્સના દાયરામાં સામેલ કરવામાં આવ્યું છે.
ક્રૂડ ઓઇલના ભાવો ઘટતા ટેક્સમાં કટોતી
પશ્ચિમ એશિયાના સંકટને કારણે એપ્રિલ મહિનામાં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ પ્રતિ બેરલ $120 ને પાર પહોંચી ગયા હતા. તે સમયે સરકારે ડીઝલ પરનો ટેક્સ વધારીને ₹55.5 અને ATF પર ₹42 પ્રતિ લિટર કર્યો હતો. જો કે, મે મહિનાની શરૂઆતથી વૈશ્વિક ભાવોમાં ઘટાડો નોંધાયો છે, જેના કારણે સરકારે સતત ડ્યુટી ઘટાડી છે.
શું છે આ SAED ટેક્સ અને તે કેવી રીતે કામ કરે છે?
સ્પેશિયલ એડિશનલ એક્સાઇઝ ડ્યુટી (SAED) એ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડ ઓઇલ અને ઇંધણના સરેરાશ ભાવોના આધારે સરકાર દ્વારા દર બે અઠવાડિયે સમીક્ષા કરીને નક્કી કરવામાં આવતો ટેક્સ છે.
કેમ લાદવામાં આવે છે?
જ્યારે વૈશ્વિક બજારમાં કિંમતો ખૂબ વધી જાય છે, ત્યારે સ્થાનિક રિફાઇનરીઓ ભારતમાં ઇંધણ વેચવાને બદલે વિદેશમાં નિકાસ કરીને વધુ નફો કમાવવાનો પ્રયાસ કરે છે. આનાથી ભારતના સ્થાનિક બજારમાં ઇંધણની અછત સર્જાઈ શકે છે.
નિયંત્રણ: SAED ટેક્સ નિકાસને મોંઘી બનાવી દે છે, જેથી કંપનીઓ વિદેશના બદલે દેશના બજારને પ્રાથમિકતા આપે. આ વ્યવસ્થાની શરૂઆત પશ્ચિમ એશિયાના સંકટ વચ્ચે સ્થાનિક પુરવઠો સુનિશ્ચિત કરવા માટે 27 માર્ચ, 2026 ના રોજ કરવામાં આવી હતી.
આ પણ વાંચો : Automobile સેક્ટરમાં રચાશે નવો ઈતિહાસ: આ કંપનીએ લોન્ચ કરી 3 વ્હીલ પર દોડવાની ક્ષમતા ધરાવતી નવી હાઇબ્રિડ SUV