ભારતના વિદેશી વેપારમાં જૂન 2026 દરમિયાન નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, જૂન મહિનામાં ભારતની નિકાસમાં 15.5 ટકાનો વધારો નોંધાયો છે અને તે વધીને 40.41 અબજ ડોલર થઈ છે. બીજી તરફ, આયાતમાં 31 ટકાનો મોટો વધારો નોંધાતા તે 70.84 અબજ ડોલર સુધી પહોંચી છે.
વેપાર ખાધ કોને કહેવામાં આવે છે?
આયાતમાં નિકાસની સરખામણીએ વધુ ઝડપથી વધારો થતાં દેશનું વેપાર ખાધ (ટ્રેડ ડેફિસિટ) વધીને 30.43 અબજ ડોલર થઈ ગયું છે. વેપાર ખાધ ત્યારે સર્જાય છે જ્યારે કોઈ દેશની આયાત તેની નિકાસ કરતાં વધુ હોય છે. એટલે કે, વિદેશમાંથી માલ અને સેવાઓ ખરીદવામાં થતો ખર્ચ, વિદેશમાં વેચાણથી થતી આવક કરતાં વધારે હોય ત્યારે આ તફાવતને વેપાર ખાધ કહેવામાં આવે છે. ચાલુ નાણાકીય વર્ષ 2026-27ના પ્રથમ ત્રિમાસિક ગાળા (એપ્રિલથી જૂન)માં પણ ભારતના વિદેશી વેપારમાં વૃદ્ધિ નોંધાઈ છે. આ સમયગાળા દરમિયાન દેશની કુલ નિકાસ 15.92 ટકા વધીને 129.32 અબજ ડોલર રહી છે, જ્યારે આયાત 19.89 ટકા વધીને 216.18 અબજ ડોલર થઈ છે.
