ભારત વૈશ્વિક સ્તરે મજબૂત બની રહ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતે તમામ ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ કરી છે. સંરક્ષણ ક્ષેત્ર હોય કે પછી આર્થિક સ્તર તમામ ક્ષેત્ર ભારત વિકાસ કરી રહ્યું છે. એટલે જ હવે ભારત દુનિયાના દિગ્ગજો દેશોનો ડર ના રાખતા આકરા નિર્ણય લેતા પણ ખચકાતું નથી. અમેરિકાનો ટેરિફ વાર હોય કે ચાલબાઝ ચીનના કૂટનીતિ ભારત આ તમામ બાબતો સામે વધુ કડક પગલા લઈ રહ્યું છે. ભારતે ચીન સામે કડક એકશન લેતા કેટલાક ઉત્પાદનો પર 5 વર્ષ માટે એન્ટિ-ડમ્પિંગ ડ્યુટી લાદવાનો નિર્ણય કર્યો.
ચીનને ભારતની મોટી લપડાક
ચીન દ્વારા કૂટનીતિ ભારતને ઘેરવાનો પ્રયાસ નિષ્ફળ રહ્યો. ભારતે જ ચીન સામે મોટી કાર્યવાહી કરી દેતા ડ્રેગન પણ ચોંક્યું. ભારતે અહીંથી આયાત થતા કેટલાક સ્ટીલ ઉત્પાદનો પર 5 વર્ષ માટે એન્ટિ-ડમ્પિંગ ડ્યુટી લાદી છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ ટ્રેડ રેમેડીઝની માહિતી મુજબ ચીનથી કોલ્ડ રોલ્ડ નોન-ઓરિએન્ટેડ ઇલેક્ટ્રિકલ સ્ટીલ (CRNO) ની આયાત પર પ્રતિ ટન $223.82 નો ટેરિફ લાદવામાં આવશે. ગુરુવારે મોડી રાત્રે જારી કરાયેલા આ આદેશમાં કહેવામાં આવ્યું છે કે ભારતે ચીનથી આયાત થતા વિવિધ પ્રકારના કોલ્ડ-રોલ્ડ સ્ટીલ પર પ્રતિ ટન $223.8 થી $414.9 પ્રતિ ટન સુધીની એન્ટિ-ડમ્પિંગ ડ્યુટી લાદવાનો નિર્ણય લીધો છે.
કેમ ભારતે આ નિર્ણય લીધો
ભારત દ્વારા હાલમાં સ્વદેશી વસ્તુઓ અપનાવવાનું અભિયાન શરૂ થયું છે. શકય બને ત્યાં સુધી લોકો ભારતની વસ્તુઓ ઉપયોગમાં લે. તેમજ વેપારીઓ પણ બહારથી કાચો માલ મગાવવાના બદલે સ્થાનિક વેપારીઓ પાસેથી તેની ખરીદી કરે તેવી પીએમ મોદી દ્વારા અપીલ પણ કરાઈ હતી. સંભવત આ અભિયાન હેઠળ આયાત થતા સ્ટીલ ઉત્પાદનોને રોકવામાં આવ્યા છે. ચીન પર આ પગલાનો એન્ટિ-ડમ્પિંગ ડ્યુટી લાદવાનો નિર્ણયનો હેતુ સ્થાનિક સ્ટીલ ઉત્પાદકોને સસ્તી આયાતથી થતા નુકસાનથી બચાવવાનો છે. આ ડમ્પ્ડ ઉત્પાદનો ઘણીવાર સ્થાનિક ભારતીય ઉદ્યોગોને નુકસાન પહોંચાડે છે. આને ધ્યાનમાં રાખીને, સ્ટીલ ઉદ્યોગે ભારતમાં આ સ્ટીલ ઉત્પાદનોના કથિત ડમ્પિંગની તપાસની માંગ કરી હતી. DGTR એ તપાસ હાથ ધરી હતી અને ડ્યુટી લાદવાની ભલામણ કરી હતી.
જાણો શું હોય છે એન્ટિ-ડમ્પિંગ ડ્યુટી
કોઈપણ દેશમાં એન્ટિ-ડમ્પિંગ ડ્યુટી એ જે - તે સરકાર દ્વારા વિદેશથી આયાત કરાયેલા માલ પર લાદવામાં આવતી ફી છે. જ્યારે કોઈ દેશ પોતાનો માલ બીજા દેશને ઓછા ભાવે વેચે છે, ત્યારે તે દેશના સ્થાનિક ઉદ્યોગો પર નકારાત્મક અસર કરે છે. ડમ્પિંગનો અર્થ એ છે કે દેશના સ્થાનિક બજારમાં જે ભાવે વેચાય છે તેના કરતા ઓછી કિંમતે માલની નિકાસ કરવી.
આ પણ વાંચો : Business : જાપાનનો ઐતિહાસિક નિર્ણય, 30 વર્ષમાં સૌથી ઊંચો વ્યાજ દર, વૈશ્વિક બજારો પર પડશે ઊંડી અસર