ભારતીય રિન્યુએબલ એનર્જી સેક્ટર માટે 2025 એક ઐતિહાસિક વર્ષ સાબિત થયું છે. આ વર્ષે ગ્રીડમાં ઉમેરવામાં આવેલી નવી વીજ ક્ષમતા સર્વકાલીન ઉચ્ચતમ સ્તરે પહોંચી ગઈ છે. જોકે અંતિમ આંકડા જાન્યુઆરી 2026ની શરૂઆતમાં ઉપલબ્ધ થશે, પરંતુ 2025ના માત્ર 11 મહિનામાં દેશનું ગ્રીન એનર્જી ઉત્પાદન 44.5 ગીગાવોટ (GW) સુધી પહોંચી ગયું છે, જેમાં મોટા હાઈડ્રોપાવર પ્રોજેક્ટ્સનો પણ સમાવેશ થાય છે. આ વધારામાં સૌર ઉર્જાનો સૌથી મોટો ફાળો રહ્યો છે. 2024માં આ આંકડો આશરે 28.7 ગીગાવોટ હતો, જેમાં મોટા હાઈડ્રોપાવર ઉત્પાદનનો પણ સમાવેશ થાય છે.
રિન્યુએબલ એનર્જી ક્ષમતા 26% વધીને 204 GW થઈ
2025માં 30 નવેમ્બરના રોજ, રિન્યુએબલ એનર્જી ક્ષમતા 26% વધીને 204 GW થઈ ગઈ. 11 મહિનામાં આ વધારો 2024માં નોંધાયેલા 21% વૃદ્ધિ કરતાં વધુ છે. પરિણામે, કુલ રિન્યુએબલ એનર્જી ક્ષમતા (મોટા હાઇડ્રો સિવાય) 31 ડિસેમ્બર, 2023ના રોજ 134 GWથી વધીને નવેમ્બર 2025માં 204 GW થઈ ગઈ. સૌર ઉર્જા ભારતના સ્વચ્છ ઉર્જા વિકાસનું નેતૃત્વ કરવાનું ચાલુ રાખે છે. 2025ના 11 મહિનામાં, સૌર ક્ષેત્રે ગ્રીડમાં કુલ 35 GW ક્ષમતા ઉમેરી, જે 2024માં 25 GW હતી.
આ છે ટોચના રાજ્યો
2025માં જોડાયેલા 35 ગીગાવોટ સૌર ઊર્જામાંથી, લગભગ 26 ગીગાવોટ ગ્રાઉન્ડ-માઉન્ટેડ સોલારમાંથી, 7 ગીગાવોટ રૂફટોપ સોલારમાંથી, લગભગ 1 ગીગાવોટ હાઈબ્રિડ પ્રોજેક્ટ્સમાંથી આવ્યું હતું, જ્યારે બાકીની ક્ષમતા ઓફ-ગ્રીડ સોલાર સાથે જોડાયેલી હતી. સૌર ઊર્જા ક્ષમતાની દ્રષ્ટિએ રાજસ્થાન (36 ગીગાવોટ), ગુજરાત (25 ગીગાવોટ), મહારાષ્ટ્ર (17 ગીગાવોટ) અને તમિલનાડુ (12 ગીગાવોટ) ટોચના રાજ્યો છે.
વિન્ડ પાવર સેક્ટરમાં પણ જોવા મળ્યો ગ્રોથ
જાન્યુઆરી અને નવેમ્બર 2025ની વચ્ચે, પવન ઉર્જા ક્ષેત્રે લગભગ 6 GW નવી ક્ષમતા ઉમેરી, જે તાજેતરના વર્ષોમાં સૌથી વધુ છે. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે આ ક્ષેત્ર મંદીના સમયગાળા પછી મજબૂત પુનરાગમન કરી રહ્યું છે. નવેમ્બર 2025 સુધીમાં ભારતની કુલ સ્થાપિત નવીનીકરણીય ઉર્જા ક્ષમતા 254 GW સુધી પહોંચી જશે. આમાં સૌર 133 GW, પવન 54 GW, બાયોએનર્જી 11 GW, નાના હાઇડ્રો 5 GW અને મોટા હાઈડ્રો 50 GW (પમ્પ્ડ સ્ટોરેજ સહિત)નો સમાવેશ થાય છે. આ માહિતી કેન્દ્રીય નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલયના ડેટા પર આધારિત છે.
સસ્તી અને ફાયદાકારણ ટેક્નિક
IEEFA મુજબ, આશરે 135 GW વધારાની રિન્યુએબલ એનર્જી ક્ષમતા બાંધકામના વિવિધ તબક્કામાં છે અથવા ટેન્ડર હેઠળ છે. વીજળીના દરો ખૂબ જ સ્પર્ધાત્મક રહે છે. યુટિલિટી-સ્કેલ સોલાર માટે રેકોર્ડ ઓછી બિડ ₹2.44 થી ₹2.55 પ્રતિ યુનિટ (લગભગ $2931 પ્રતિ MWh) સુધીની છે, જે દર્શાવે છે કે સ્વચ્છ ઉર્જા તકનીકો સસ્તી અને નફાકારક રહે છે.
આ પણ વાંચો; Business News : અચાનક આ મોટી કંપનીના CFOએ આપ્યું રાજીનામું, શેરનો ભાવ ગગડ્યો