ભારતીય રેલ્વેએ મુસાફરોની રેલ સુવિધા વધુ સરળ બનાવવા એક મહત્વનો નિર્ણય લીધો છે. લોકો જયારે પ્રવાસનું પ્લાનિંગ કરતા હોય ત્યારે રેલ્વેમાં અગાઉથ જ ટિકિટ બુક કરાવે છે. પરંતુ કયારેક મહત્ત્વના કામોના કારણે ઇમરજન્સીમાં ટિકિટ લેવા ઓનલાઈન તત્કાલ ટિકિટ બુક કરાવતા બુકિંગ પ્રક્રિયામાં મુશ્કેલીનો સામનો કરતા હોય છે.
તત્કાલ ટિકિટ બુકિંગમાં બદલાવ
રેલ્વેમાં મુસાફરી માટે IRCTC દ્વારા તત્કાલ ટિકિટ બુક કરાવવી એક જટિલ પ્રક્રિયા છે. કારણ કે સારામાં સારા હાઇ-સ્પીડ ઇન્ટરનેટ સેવાથી અથવા મોબાઈલ ફોન કે લેપટોપથી ટિકિટ બુક કરાવાતી હોય ત્યારે વિન્ડો ખુલતાની સાથે જ, બધી ટિકિટો થોડીવારમાં બુક થઈ જાય છે. તો કેટલીક વખત વિન્ડો ખુલે ત્યારે શરૂઆતમાં ટ્રેન ટિકિટો દેખાય છે અને જેવા તમે ટિકિટ બુક કરો છો ત્યારે તમારી ટિકિટ વેઇટિંગ લિસ્ટમાં જતી રહી છે. IRCTCમાં મુંબઈ, અમદાવાદ અને દિલ્હી જેવા મહત્વના શહેરો અને લોકપ્રિય પ્રવાસીય સ્થાનોના રૂટ પર જલ્દી તત્કાલ ટિકિટ બુકિંગ થતુ નથી. અને તેના કારણે ઇમરજન્સીમાં મુસાફરી કરતા મુસાફરોને અન્ય કોઈ માધ્યમનો આશરો લેવાની ફરજ પડે છે.
તત્કાલ ટિકિટ બુકિંગને બનાવ્યો નવો નિયમ
તત્કાલ ટિકિટ બુકિંગમાં પણ મુસાફરોને વેઇટિંગમાં ટિકિટ મળે છે તેનું કારણ એજન્ટ રાજ અને નકલી ટિકિટનું વેચાણ છે. અર્થાત્ એજન્ટો નિયમિત વેચાણ થતી ટિકિટ ઉપરાંત તત્કાલ ટિકિટ બુકિંગમાં પણ બલ્કમાં ખરીદી કરી લેતા હોય છે. સરકારના ધ્યાનમાં આ મામલો સામે આવતા તત્કાલ ટિકિટ બુકિંગને લઈને ખાસ નિયમ બનાવ્યો છે. જેનાથી વાસ્તવિકપણે જેને આ ટિકિટની જરૂરિયાત છે તેને તત્કાલ ટિકિટ મળશે.
આધાર વેરિફિકેશન ફરજિયાત
રેલ્વે વિભાગે હવે તત્કાલ ટિકિટ બુક કરાવતી વખતે આધાર વેરિફિકેશન ફરજિયાત બનાવ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ નિયમ જૂન 2025 ના અંત સુધીમાં લાગુ થઈ શકે છે. આ નિયમ IRCTC પોર્ટલ દ્વારા તત્કાલ ટિકિટ બુક કરાવનારા તમામ વપરાશકર્તાઓને લાગુ પડશે. આ નવા નિયમથી એટલે કે ઈ-આધાર પ્રમાણીકરણ ફરજિયાત બન્યા પછી, તત્કાલ ટિકિટ મળવાની શક્યતા વધશે અને એજન્ટ દ્વારા કરાતી નકલી ટિકિટનું બુકિંગ બંધ થશે. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે 4 જૂન 2025 ના રોજ જણાવ્યું હતું કે હવે તત્કાલ ટિકિટ બુકિંગમાં આધાર પ્રમાણીકરણ ફરજિયાત કરવામાં આવશે જેથી ફક્ત સાચા મુસાફરો જ કન્ફર્મ ટિકિટ મેળવી શકે.
IRCTC પોર્ટલ પરથી તત્કાલ ટિકિટ કેવી રીતે બુક કરવી:
સૌ પ્રથમ IRCTC વેબસાઇટ (irctc.co.in) પર જાઓ અને લોગિન કરો. હવે મુસાફરીની તારીખ, સ્ટેશન (થી - સુધી) અને વર્ગ પસંદ કરો. હવે ક્વોટામાં તત્કાલ વિકલ્પ પસંદ કરો. પછી ટ્રેન સૂચિમાંથી કોઈપણ ટ્રેન અને વર્ગ પસંદ કરો અને Book Now બટન પર ક્લિક કરો. હવે મુસાફરનું નામ, ઉંમર, લિંગ, સીટ પસંદગી અને મોબાઇલ નંબર જેવી સંપૂર્ણ વિગતો ભરો અને કેપ્ચા કોડ દાખલ કરો અને Continue પર ક્લિક કરો.
Pay and Book
આ પછી, તમે ચુકવણી વિકલ્પ પસંદ કરો અને ટિકિટ બુક કરવા માટે Pay and Book પર ક્લિક કરો. બુકિંગ કર્યા પછી, તમને SMS દ્વારા ટિકિટ કન્ફર્મેશન વિશે માહિતી મળે છે. તમે એસી ક્લાસ માટે સવારે 10:00 વાગ્યે અને નોન-એસી ક્લાસ માટે સવારે 11:00 વાગ્યે ટ્રેન ટિકિટ બુક કરી શકો છો. બુકિંગ મુસાફરીની તારીખના એક દિવસ પહેલા કરવામાં આવે છે, ઉદાહરણ તરીકે, જો મુસાફરી 5 તારીખે હોય, તો તત્કાલ બુકિંગ 4 તારીખે ખુલશે.













