RBIના તાજા આંકડાઓ અનુસાર ભારતીયો દ્વારા વિદેશ પ્રવાસ માટે કરવામાં આવતો ખર્ચ માર્ચ 2026 દરમિયાન નોંધપાત્ર રીતે ઘટ્યો છે. ફેબ્રુઆરીમાં વિદેશ પ્રવાસ પાછળ 1.3 બિલિયન ડોલર ખર્ચાયા હતા, જ્યારે માર્ચમાં આ ખર્ચ ઘટીને 1.09 બિલિયન ડોલર રહ્યો છે. એટલે કે માત્ર એક મહિનામાં અંદાજે 16 ટકાનો ઘટાડો નોંધાયો છે. જાન્યુઆરીમાં આ ખર્ચ 1.65 બિલિયન ડોલર હતો.
વિદેશી કરન્સીની બચત માટે વિદેશ પ્રવાસ ઘટાડવા અપીલ
RBI દ્વારા જાહેર કરાયેલો આ ડેટા LRS હેઠળ વિદેશ મોકલાયેલા નાણાં પર આધારિત છે. આ યોજના હેઠળ ભારતીય નાગરિકો એક નાણાકીય વર્ષમાં 2.5 લાખ ડોલર સુધીની રકમ વિદેશ મોકલી શકે છે. તેમાં પ્રવાસ, શિક્ષણ, સંબંધીઓનો ખર્ચ, રોકાણ અને પ્રોપર્ટી ખરીદી જેવી કેટેગરીનો સમાવેશ થાય છે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ, કાચા તેલના વધતા ભાવ અને રૂપિયાની નબળાઈને કારણે લોકો વિદેશ પ્રવાસ પર ઓછો ખર્ચ કરી રહ્યા હોવાનું માનવામાં આવે છે. વડાપ્રધાને પણ તાજેતરમાં લોકોને વિદેશી કરન્સીની બચત માટે વિદેશ પ્રવાસ ઘટાડવા અને કારપૂલિંગ જેવા ઉપાયો અપનાવવાની અપીલ કરી હતી.
