ઇન્ડિગો એરલાઇન્સમાં મુસાફરી કરતા મુસાફરો માટે એક મોટો આંચકો સમાન સમાચાર સામે આવ્યા છે. દેશેની અગ્રણી એરલાઇન ઇન્ડિગોએ ઘરેલુ ફ્લાઇટ્સ માટે પોતાની વિવિધ સેવાઓ અને ચાર્જમાં મોટો વધારો કર્યો છે. જો તમે આગામી દિવસોમાં ઇન્ડિગોની ફ્લાઇટમાં પ્રવાસ કરવાનું વિચારી રહ્યા છો, તો તમારે બાળકોની ટિકિટ, સામાનનું ભાડું અને અન્ય સુવિધાઓ માટે વધુ ખિસ્સું ખાલી કરવું પડશે.

શિશુ ટિકિટ અને વધારાના સામાનના ચાર્જમાં વધારો

જો તમે ઇન્ડિગોની ડોમેસ્ટિક ફ્લાઇટમાં નાના બાળક સાથે મુસાફરી કરી રહ્યા છો, તો હવે શિશુ ટિકિટ (Infant Ticket) માટે તમારે વધારાના ₹૧,૦૦૦ ચૂકવા પડશે. અગાઉ આ ફી ₹૨,૦۰۰ હતી, જે હવે વધારીને ₹૩,૦૦૦ કરી દેવામાં આવી છે. આ નિયમ એવા બાળકો પર લાગુ થાય છે જેમને અલગ સીટ ફાળવવામાં આવતી નથી અને તેઓ માતા-પિતા સાથે પ્રવાસ કરે છે.

આ ઉપરાંત, ફ્રી અલોવાન્સ મર્યાદા કરતાં વધુ સામાન સાથે મુસાફરી કરવા પર હવે પ્રવાસીઓએ પ્રતિ કિલોગ્રામ ₹૮૦૦ ચૂકવવા પડશે, જે અગાઉ ₹૭૦૦ પ્રતિ કિલોગ્રામ હતો.

પ્રાયોરિટી ચેક-ઇન અને અન્ય સેવાઓ મોંઘી

એરપોર્ટ પર લાંબી કતારોથી બચવા માટે લેવાતી સેવાઓ પણ હવે મોંઘી બની છે:

પ્રાયોરિટી ચેક-ઇન અને બોર્ડિંગ: આ સેવા માટે હવે મુસાફરોએ ₹૪૫૦ ની જગ્યાએ ₹૬૫૦ ચૂકવવા પડશે.

અનએકંપનીડ માઇનોર સર્વિસ (એકલા મુસાફરી કરતા બાળકો): જો કોઈ બાળક વાલી વગર એકલું મુસાફરી કરી રહ્યું હોય, તો આ ખાસ સેવાનો ચાર્જ ₹૫,૦૦૦ થી વધારીને ₹૫,૯૯૯ કરી દેવામાં આવ્યો છે.

ટ્રાવેલ સર્ટિફિકેટ ફી: ટ્રાવેલ સર્ટિફિકેટ મેળવવા માટે હવે અગાઉના ₹૨૦૦ ના બદલે ₹૩૦૦ ફી વસૂલવામાં આવશે. સેવા શુલ્કમાં થયેલા આ વધારાને કારણે હવે મુસાફરોનું પ્રવાસ બજેટ થોડું વધી જશે.

આ પણ વાંચોઃ  તહેવારો પહેલા રેલવે કર્મચારીઓ માટે ખુશખબર, ₹18,000 થી વધીને ₹53,000 સુધી વધી શકે છે બોનસ!