ખાનગી ક્ષેત્રની અગ્રણી બેંક 'ઇન્ડસઇન્ડ બેંક'ની મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. બેંકમાં આશરે 2000 કરોડ રૂપિયાની ડેરિવેટિવ્સ એકાઉન્ટિંગ ગડબડી સામે આવ્યા બાદ, હવે એક વિસલબ્લોઅરની ફરિયાદને કારણે નવો હોબાળો મચ્યો છે. બેંકના જ એક પૂર્વ વરિષ્ઠ અધિકારી પર ગુપ્ત માહિતીના આધારે ગેરકાયદેસર રીતે કરોડો રૂપિયા કમાવવાનો આરોપ લાગ્યો છે.


તપાસ એજન્સીઓ પાસે કડક તપાસની માગ

આ મામલાની ગંભીરતાને જોતા વિસલબ્લોઅરે વડાપ્રધાન કાર્યાલય, ભારતીય રિઝર્વ બેંક સહિત દેશની સર્વોચ્ચ તપાસ એજન્સીઓ પાસે કડક તપાસની માગ કરી છે. આ નકારાત્મક સમાચારની સીધી અસર બેંકના શેર પર જોવા મળી છે અને રોકાણકારોમાં ફફડાટ ફેલાયો છે.

  • નવો વિવાદ: પૂર્વ અધિકારી પર રૂ. 46 કરોડનો ગેરકાયદે નફો કમાવવાનો આરોપ
  • શેરબજારમાં કડાકો: સમાચાર આવતા જ બેંકના શેરમાં 2.50% સુધીનો ઘટાડો નોંધાયો
  • તપાસની માગ: PMO, RBI, SFIO અને NFRA સુધી પહોંચી ગંભીર ફરિયાદ

શું છે સમગ્ર મામલો અને ઇન્સાઇડર ટ્રેડિંગનો આરોપ?

ઇન્ડસઇન્ડ બેંકમાં એક તરફ રૂ. 2000 કરોડની ડેરિવેટિવ્સ એકાઉન્ટિંગ ગડબડીની ચર્ચા શાંત થઈ ન હતી, ત્યાં એક વિસલબ્લોઅરની ફરિયાદએ બેંકિંગ સેક્ટરમાં ખળભળાટ મચાવી દીધો છે. આ ફરિયાદની નકલો સિરિયસ ફ્રોડ ઇન્વેસ્ટિગેશન ઓફિસ (SFIO) અને નેશનલ ફાઇનાન્સિયલ રિપોર્ટિગ ઓથોરિટી (NFRA)ને પણ મોકલવામાં આવી છે.

ફરિયાદમાં બેંકના ભૂતપૂર્વ ઇસ્ટ ઝોનલ હેડ સમિર અગ્રવાલ પર ઇન્સાઇડર ટ્રેડિંગનો ગંભીર આરોપ મૂકવામાં આવ્યો છે. વિસલબ્લોઅરનો દાવો છે કે, સમિર અગ્રવાલે બેંકની અત્યંત ગુપ્ત અને સંવેદનશીલ માહિતીનો દુરૂપયોગ કરીને પોતાના પરિવાર અને સંબંધિત સંસ્થાઓ મારફતે શેરોમાં ટ્રેડિંગ કર્યું હતું.

  • આરોપ: બેંકની મહત્ત્વપૂર્ણ માહિતી જાહેરમાં બહાર આવે તે પહેલાં, આશરે રૂ. 815 કરોડના શેર ટ્રેડ કરીને આશરે રૂ. 46 કરોડનો મોટો નફો ગેરકાયદેસર રીતે કમાવવામાં આવ્યો હતો.

બેંકિંગ ગવર્નન્સ અને 'એવરગ્રીનિંગ' પર ગંભીર આક્ષેપો

વિસલબ્લોઅર દ્વારા માત્ર વ્યક્તિગત ભ્રષ્ટાચાર જ નહીં, પણ બેંકની આંતરિક કાર્યપ્રણાલી અને ગવર્નન્સને લઈને પણ ઘણા ચોંકાવનારા આક્ષેપો કરવામાં આવ્યા છે

  • લોન એવરગ્રીનિંગ: માઇક્રોફાઇનાન્સ સેક્ટરમાં ખરાબ થઈ ગયેલી લોન (NPA) ને છુપાવવા માટે તેને નવી અને સારી લોન તરીકે દર્શાવવી.
  • ઓડિટ રિપોર્ટમાં ચેડાં: ઇન્ટરનલ ઓડિટ દરમિયાન સામે આવેલા વાસ્તવિક નિષ્કર્ષો અને ગંભીર ખામીઓને દબાવવાનો પ્રયાસ કરવો.
  • માહિતી છુપાવવી: વિસલબ્લોઅરનો સીધો આરોપ છે કે બેંકના કેટલાક વરિષ્ઠ અધિકારીઓ અને બોર્ડના સભ્યોએ પણ આ આખી ગડબડી પર પડદો પાડવાનો પ્રયાસ કર્યો હતો.

ઇન્ડસઇન્ડ બેંકનો સત્તાવાર પક્ષ

બીજી તરફ, ઇન્ડસઇન્ડ બેંકે આ તમામ આરોપોને સખત શબ્દોમાં ફગાવી દીધા છે. બેંકે સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે, તે વિસલબ્લોઅર દ્વારા લગાવવામાં આવેલા આ આક્ષેપોને સ્વીકારતી નથી. આ પ્રકારની તમામ ફરિયાદોની આંતરિક રીતે વિગતવાર તપાસ કરવામાં આવી છે અને જે પણ જરૂરી કાર્યવાહી હતી, તે રેગ્યુલેટરી નિયમો તથા બેંકની આંતરિક નીતિઓ અનુસાર જ કરાઈ છે. બેંકે એવો પણ દાવો કર્યો છે કે, કેટલાક મુદ્દાઓની જાણ તેણે પોતે જ સામેથી સંબંધિત ઓથોરિટીઝને કરી હતી.

રોકાણકારો માટે ચિંતાનો વિષય: નિયામકોની દેખરેખ વધશે

આ નકારાત્મક સમાચારોને કારણે શેરબજારમાં રોકાણકારોનો વિશ્વાસ ડગમગ્યો છે અને આજના શરૂઆતના કારોબારમાં જ ઇન્ડસઇન્ડ બેંકનો શેર આશરે 2.50 ટકા કરતાં વધુ ઘટીને 888.80 રૂપિયાના સ્તરે આવી ગયો હતો.

આર્થિક નિષ્ણાતોનું માનવું છે કે, 2000 કરોડ રૂપિયાની એકાઉન્ટિંગ ગડબડીના વિવાદ વચ્ચે આ નવી ફરિયાદ આવવાથી RBI અને અન્ય નિયામક એજન્સીઓ ઇન્ડસઇન્ડ બેંક પર પોતાની પકડ વધુ મજબૂત કરી શકે છે. જો તપાસ એજન્સીઓને આ આક્ષેપોમાં પ્રાથમિક દ્રષ્ટિએ કોઈ તથ્ય જણાશે, તો આવનારા દિવસોમાં બેંકના મેનેજમેન્ટમાં મોટા ફેરફારો અને કાનૂની કાર્યવાહી જોવા મળી શકે છે.


આ પણ વાંચો - Gujarat Weather Update, 3 June: આ જિલ્લાઓમાં ભારે મેઘગર્જના, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન


  • Follow us on: