ગુજરાત રાજ્ય તેમજ દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં આગામી 24 કલાક માટે હવામાનમાં ભારે પલટો આવવાની સત્તાવાર આગાહી કરવામાં આવી છે. ભારત મોસમ વિજ્ઞાન કેન્દ્ર , અમદાવાદ દ્વારા 3 જૂન 2026 માટે ‘મેઘગર્જનાની ચેતવણી’ સાથેનો નવો નકશો જાહેર કરવામાં આવ્યો છે. આ નકશા અનુસાર, રાજ્યના કેટલાક ભાગોમાં 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાવા સાથે મધ્યમ વરસાદની સંભાવના છે, જ્યારે બાકીના વિસ્તારોમાં 40 થી 50 કિમીની ઝડપે પવન સાથે હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે.
'ઓરેન્જ એલર્ટ' અને 'યલો વોચ'
હવામાન વિભાગે પરિસ્થિતિની ગંભીરતાને જોતાં રાજ્યને બે મુખ્ય ભાગમાં વહેંચીને 'ઓરેન્જ એલર્ટ' અને 'યલો વોચ' જાહેર કર્યા છે.
આ જિલ્લાઓમાં ‘ઓરેન્જ એલર્ટ’: 50 થી 60 KM/H ની ઝડપે પવન ફૂંકાશે
રાજ્યના સરહદી અને ઉત્તર-પૂર્વના જિલ્લાઓમાં હવામાન વિભાગે કડક ચેતવણી જાહેર કરી છે. આ વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ મધ્યમ મેઘગર્જના અને વીજળીના કડાકા-ભડાકા સાથે 50 થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે તેજ પવન ફૂંકાશે અને હળવોથી મધ્યમ વરસાદ પડશે.
- કચ્છ અને ઉત્તર ગુજરાત: કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને ગાંધીનગર
- મધ્ય અને પૂર્વ પટ્ટો: અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ અને ખેડા
આ જિલ્લાના નાગરિકોને સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા સાવચેત રહેવા અને મેઘગર્જના વખતે ખુલ્લા મેદાન કે ઝાડ નીચે આશ્રય ન લેવા અપીલ કરવામાં આવી છે.
આ જિલ્લાઓમાં ‘યલો વોચ’: 40 થી 50 KM/H ની ઝડપે પવન અને વરસાદ
સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતના બાકીના ભાગો અને સમગ્ર દક્ષિણ ગુજરાતમાં પણ વાતાવરણ ચોમાસામય બનશે. આ વિસ્તારોમાં 40 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે છૂટાછવાયા સ્થળોએ વીજળીના ચમકારા અને મધ્યમ મેઘગર્જના સાથે વરસાદની સંભાવના છે.
- સૌરાષ્ટ્ર અને જામનગર પંથક: સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથ
- દક્ષિણ અને મધ્ય ગુજરાત: અમદાવાદ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ
- કેન્દ્રશાસિત પ્રદેશો: દીવ, દમણ તેમજ દાદરા અને નગર હવેલી

હવામાન વિભાગની સિગ્નલ સિસ્ટમ શું કહે છે?
હવામાન કેન્દ્ર, અમદાવાદ દ્વારા જાહેર કરવામાં આવેલા લેજન્ડ્સ મુજબ
- ગ્રીન: કોઈ એક્શન લેવાની જરૂર નથી (હાલ રાજ્યમાં ક્યાંય નથી).
- યલો: હવામાન પલટા પર નજર રાખો અને અપડેટ રહેતા રહો.
- ઓરેન્જ: કોઈપણ આપત્તિજનક સ્થિતિ માટે સજ્જ અને તૈયાર રહો.
ખેડૂતોને પણ આ તોફાની પવન અને વરસાદની ચેતવણીને ધ્યાનમાં રાખીને પોતાનો ખુલ્લામાં પડેલો પાક સુરક્ષિત સ્થળે ખસેડી લેવા અને માર્કેટિંગ યાર્ડોને યોગ્ય વ્યવસ્થા કરવા સૂચના આપવામાં આવી છે. આગામી 24 કલાક દરમિયાન દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ પવનની ગતિ તેજ રહેવાની હોવાથી માછીમારોને સાવધ રહેવા જણાવાયું છે.
આ પણ વાંચો - Weather : રાજ્યમાં એકસાથે વરસાદની 3 સિસ્ટમ સક્રિય, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન, જાણો તમારા જિલ્લાની સ્થિતિ