પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ અને વૈશ્વિક ઉર્જા સંકટ વચ્ચે કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ દેશવાસીઓને મોટી રાહત આપી છે. મંગળવારે એક કાર્યક્રમમાં તેમણે જણાવ્યું હતું કે ભારતે ઘરેલું સ્તરે LPG (લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ) ના ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો કર્યો છે અને દેશમાં ઈંધણની કોઈ અછત નથી.

રેકોર્ડબ્રેક ઉત્પાદન

હરદીપ સિંહ પુરીએ માહિતી આપી હતી કે અગાઉ ભારતમાં દરરોજ 35,000 થી 36,000 ટન LPGનું ઉત્પાદન થતું હતું, જે હવે વધારીને 54,000 ટન (5.40 કરોડ કિલો) પ્રતિ દિવસ કરવામાં આવ્યું છે. આ આંકડાનો અર્થ એ છે કે દરરોજ આશરે 38 લાખથી વધુ ઘરેલું ગેસ સિલિન્ડર (14.2 કિલો) ભરી શકાય એટલો ગેસ તૈયાર થઈ રહ્યો છે.

દેશ પાસે કેટલો સ્ટોક છે?

મંત્રીએ ભારતીય ઉદ્યોગ પરિસંઘ (CII) ના સંમેલનમાં ખાતરી આપી હતી કે ભારત પાસે હાલમાં 69 દિવસનો કાચા તેલ (Crude Oil) અને LNGનો ભંડાર છે. તેમજ 45 દિવસનો LPG ભંડાર ઉપલબ્ધ છે.

PM મોદીની અપીલ અને સાવચેતી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં પશ્ચિમ એશિયાના સંકટથી અર્થતંત્રને બચાવવા માટે દેશવાસીઓને ઈંધણનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવાની અપીલ કરી હતી. તેમણે પેટ્રોલ-ડીઝલનો વપરાશ ઘટાડવા, મેટ્રો ટ્રેન અને ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ વધારવા તેમજ શક્ય હોય ત્યાં 'વર્ક ફ્રોમ હોમ' અપનાવવાની સલાહ આપી છે. આ ઉપરાંત, વિદેશી મુદ્રા બચાવવા માટે સોનાની ખરીદી અને વિદેશ પ્રવાસ ટાળવા પણ આહ્વાન કરવામાં આવ્યું છે.

કેન્દ્રીય મંત્રીએ સ્પષ્ટ કર્યું કે સરકાર પશ્ચિમ એશિયાના સંકટની પ્રતિકૂળ અસરોથી સામાન્ય જનતાને બચાવવા માટે તમામ પ્રયાસો કરી રહી છે.

આ પણ વાંચો:WorldBank:ચીનની 'સંગ્રહખોરી' પર વર્લ્ડ લાલઘૂમ!કહ્યું- 'અનાજ અને ખાતરનો સ્ટોક કરવાનું તરત બંધ કરો, દુનિયા સંકટમાં છે'