વૈશ્વિક ખાદ્ય અને ખાતર સંકટ વચ્ચે ચીન ફરી એકવાર દુનિયાના નિશાના પર આવ્યું છે. વર્લ્ડ બેંકના પૂર્વ અધ્યક્ષ ડેવિડ માલપાસે ચીન પર ગંભીર આરોપ લગાવતા કહ્યું છે કે ચીને અનાજ અને ખાતરની સંગ્રહખોરી તાત્કાલિક બંધ કરવી જોઈએ. માલપાસના મતે, ચીનના આ વલણને કારણે વિશ્વભરમાં સપ્લાય ચેઈન ખોરવાઈ રહી છે અને અન્ય દેશો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે.

શું છે ડેવિડ માલપાસનો આરોપ?

બીબીસી વર્લ્ડ સર્વિસ સાથેની વાતચીતમાં માલપાસે જણાવ્યું હતું કે, "ચીન પાસે વિશ્વનો સૌથી મોટો અનાજ અને ખાતરનો ભંડાર છે. તેમ છતાં તે સતત પોતાનો સ્ટોક વધારી રહ્યું છે." તેમણે ઉમેર્યું કે ઈરાન-ઈઝરાયેલ યુદ્ધ અને હોર્મુઝની સામુદ્રધુનીમાં પેદા થયેલા તણાવને કારણે ખાતરનો પુરવઠો પહેલાથી જ પ્રભાવિત થયો છે, ત્યારે ચીને માર્ચ મહિનાથી ખાતરની નિકાસ પર રોક લગાવીને સંકટમાં વધારો કર્યો છે.

ચીનના 'વિકાસશીલ દેશ'ના દાવા પર સવાલ

ડેવિડ માલપાસે ચીનની અર્થવ્યવસ્થા પર પણ પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે ચીન વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા હોવા છતાં વર્લ્ડ બેંક અને WTOમાં હજુ પણ 'વિકાસશીલ દેશ' હોવાનો દાવો કરે છે. હવે સમય આવી ગયો છે કે ચીન આ દરજ્જો છોડી દે અને વૈશ્વિક જવાબદારી સ્વીકારે.

ચીનનો વળતો જવાબ

ચીને આ તમામ આરોપોને ફગાવી દીધા છે. વોશિંગ્ટન સ્થિત ચીની દૂતાવાસના પ્રવક્તા લિયુ પેંગ્યુએ જણાવ્યું કે, ચીન વૈશ્વિક બજારમાં સ્થિરતા જાળવવા માટે કટિબદ્ધ છે. તેમણે કહ્યું કે સપ્લાય ચેઈનમાં સંકટ આવવા પાછળના અસલી કારણો દુનિયા જાણે છે અને તેનો દોષ ચીન પર નાખી શકાય નહીં. ચીને ભારપૂર્વક કહ્યું કે વિકાસશીલ દેશનો દરજ્જો જાળવી રાખવો એ તેનો કાયદેસરનો અધિકાર છે.

માલપાસે ચેતવણી આપી છે કે જો હોર્મુઝ જળમાર્ગ પર અસ્થિરતા આવશે તો તેની સૌથી મોટી અસર ચીનના વ્યાપાર પર જ પડશે, કારણ કે ચીન વિશ્વના મોટાભાગના શિપિંગ રૂટ અને કન્ટેનર પર નિયંત્રણ ધરાવે છે.

આ પણ વાંચો:Canada Education:ભારતીય વિદ્યાર્થીઓની કમાણી પર કેનેડાની કોલેજની 'ઐયાશી'! કરોડોના કૌભાંડ બાદ સરકાર એક્શનમાં