સારા ભવિષ્ય અને નોકરીના સપના જોઈ કેનેડા પહોંચેલા હજારો ભારતીય વિદ્યાર્થીઓની મજબૂરીનો ફાયદો ઉઠાવી કેનેડાની કોલેજોએ રેકોર્ડબ્રેક કમાણી કરી છે. તાજેતરમાં થયેલા એક સરકારી ઓડિટમાં ઓન્ટારિયોની કોનેસ્ટોગા કોલેજ (Conestoga College) માં મોટી નાણાકીય અનિયમિતતાઓ અને વિવાદાસ્પદ ખર્ચાઓ સામે આવ્યા છે, જેના પગલે ઓન્ટારિયો સરકારે આ કોલેજને પોતાના વહીવટી નિયંત્રણમાં લઈ લીધી છે.
વિદ્યાર્થીઓ પાસેથી વસૂલી તગડી ફી
ઓડિટ રિપોર્ટ મુજબ, 2021 થી 2023 વચ્ચે આ કોલેજમાં વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યામાં 150% નો ધરખમ વધારો થયો હતો. સ્થાનિક વિદ્યાર્થીઓ કરતા વિદેશી વિદ્યાર્થીઓ પાસેથી અનેકગણી વધારે ફી લેવામાં આવે છે, જેના કારણે કોલેજની કમાણી માત્ર બે વર્ષમાં ત્રણ ગણી વધી ગઈ હતી. ભારતના અનેક પરિવારોએ ખેતરો વેચીને કે દેવું કરીને પોતાના સંતાનોને અહીં ભણવા મોકલ્યા હતા.
