મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી
આ પ્રસંગે Fortune India Most Powerful Women 2026ની યાદી જાહેર કરવામાં આવી, જેમાં દેશના આર્થિક અને બિઝનેસ ક્ષેત્રને નવી દિશા આપનારી 100 પ્રભાવશાળી મહિલાઓને સ્થાન આપવામાં આવ્યું. આ યાદીમાં રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન નીતા અંબાણીને પ્રથમ સ્થાન મળ્યું. કાર્યક્રમ દરમિયાન નેતૃત્વ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), નાણાકીય સશક્તિકરણ, ઉદ્યોગસાહસિકતા, સમાવેશી વિકાસ અને રાષ્ટ્ર નિર્માણ જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.
ઝડપી ટેક્નોલોજીકલ વિકાસના કારણે ઉદ્યોગોમાં મોટા ફેરફાર
નીતા અંબાણીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે નેતૃત્વની વ્યાખ્યા માત્ર સફળતા સુધી સીમિત ન હોવી જોઈએ, પરંતુ તેમાં સંવેદના, સમાવેશ અને તકોનું સર્જન પણ સામેલ હોવું જોઈએ. તેમણે ખાસ કરીને દીકરીઓમાં રોકાણને ભારતના ભવિષ્ય માટે મહત્વપૂર્ણ ગણાવ્યું હતું. કાર્યક્રમમાં હાજર બિઝનેસ લીડર્સે જણાવ્યું કે AI, વૈશ્વિક રાજકીય પરિવર્તન અને ઝડપી ટેક્નોલોજીકલ વિકાસના કારણે ઉદ્યોગોમાં મોટા ફેરફાર થઈ રહ્યા છે. જોકે, સારા નેતૃત્વ માટે જિજ્ઞાસા, સંઘર્ષ કરવાની ક્ષમતા, ગ્રાહક કેન્દ્રિત વિચારસરણી અને માનવીય નિર્ણય ક્ષમતા હંમેશા મહત્વપૂર્ણ રહેશે.
મહિલાઓના નાણાકીય સશક્તિકરણ પર પણ ભાર મૂકાયો
ચર્ચાઓ દરમિયાન મહિલાઓના નાણાકીય સશક્તિકરણ પર પણ ભાર મૂકાયો હતો. નિષ્ણાતોએ જણાવ્યું કે હવે માત્ર નાણાકીય સેવાઓ સુધી પહોંચ પૂરતી નથી, પરંતુ મહિલાઓ સક્રિય રીતે સંપત્તિ સર્જન અને નાણાકીય નિર્ણયોમાં ભાગ લે તે જરૂરી છે. આ ઉપરાંત સમાવેશી કાર્યસ્થળોનું નિર્માણ, મજબૂત ગ્રાહક બ્રાન્ડ્સ ઉભી કરવી અને હેલ્થકેર-પોષણ ક્ષેત્રની ભૂમિકા જેવા વિષયો પર પણ ચર્ચા થઈ હતી.
Fortune Indiaનું MPW પ્લેટફોર્મ દેશની પ્રભાવશાળી મહિલા નેતાઓને ઓળખ આપતું મહત્વપૂર્ણ મંચ બની રહ્યું છે. વર્ષ 2026ની આવૃત્તિએ બિઝનેસ અને સમાજમાં પરિવર્તન લાવતી મહિલાઓના યોગદાનને ફરી એકવાર ઉજાગર કર્યું છે.
આ પણ વાંચો : Share Marketમાં વિદેશી રોકાણકારોનો વિશ્વાસ વધ્યો, FIIએ એક જ દિવસમાં રૂપિયા 2,603 કરોડના શેર ખરીદ્યા