ભારતીય શેરબજાર માટે સારા સંકેતો મળી રહ્યા છે. વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII)નો ભારતીય બજાર પ્રત્યેનો અભિગમ ફરી સકારાત્મક બન્યો છે. 10 જુલાઈના રોજ FIIએ ભારતીય શેરબજારમાં ₹2,603.72 કરોડની નેટ ખરીદી કરી છે. આ સાથે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DII)એ પણ ₹2,019.68 કરોડના શેર ખરીદ્યા છે. સ્ટોક એક્સચેન્જના પ્રોવિઝનલ ડેટા મુજબ, બંને પ્રકારના રોકાણકારોની ખરીદીએ બજારમાં તેજીનું વાતાવરણ બનાવ્યું હતું.
સેક્ટોરલ ઈન્ડેક્સ લીલા નિશાનમાં બંધ થયા
10 જુલાઈએ બજારના મુખ્ય સૂચકાંકોમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. નિફ્ટી 244.10 પોઈન્ટ એટલે કે 1.02 ટકા વધીને 24,206ના સ્તરે બંધ થયો, જ્યારે સેન્સેક્સ 827 પોઈન્ટ એટલે કે 1.08 ટકા વધીને 77,569 પર બંધ રહ્યો. બેન્ક નિફ્ટીમાં પણ 1.39 ટકાનો વધારો નોંધાયો હતો. મોટાભાગના સેક્ટોરલ ઈન્ડેક્સ લીલા નિશાનમાં બંધ થયા હતા.
FIIએ ભારતીય બજારમાં કુલ ₹1,968.81 કરોડની નેટ ખરીદી કરી
આ દિવસે FIIએ કુલ ₹15,318.07 કરોડના શેર ખરીદ્યા, જ્યારે ₹12,714.35 કરોડના શેર વેચ્યા હતા. પરિણામે તેમની નેટ ખરીદી ₹2,603.73 કરોડ રહી. બીજી તરફ DIIએ ₹17,171.75 કરોડના શેર ખરીદ્યા અને ₹15,152.07 કરોડના શેર વેચ્યા, જેથી તેમની નેટ ખરીદી ₹2,019 કરોડ રહી. જુલાઈ મહિનામાં અત્યાર સુધી FIIએ ભારતીય બજારમાં કુલ ₹1,968.81 કરોડની નેટ ખરીદી કરી છે, જ્યારે DIIની ખરીદી ₹9,245.91 કરોડ રહી છે. નિષ્ણાતોના મતે, જો વિદેશી રોકાણકારોની ખરીદી આગળ પણ ચાલુ રહેશે તો શેરબજારમાં વધુ રિકવરી જોવા મળી શકે છે.
હાલ રોકાણકારોની નજર કંપનીઓના જૂન ત્રિમાસિક પરિણામો પર છે. બજારની આગળની દિશા કોર્પોરેટ પરિણામો, રૂપિયાની સ્થિરતા, ક્રૂડ ઓઈલના ભાવ અને વૈશ્વિક પરિસ્થિતિઓ પર નિર્ભર રહેશે. અમેરિકા-ઈરાન સંબંધિત અનિશ્ચિતતા હજુ પણ બજાર માટે એક જોખમ બની શકે છે.
આ પણ વાંચો : IPO : આવતા અઠવાડિયે ખુલશે 3 નવા IPO, રોકાણકારો માટે મોટી તક
ડિસ્કલેમર: શેરબજારમાં કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા તમારા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ અવશ્ય લો.