શેરબજારમાં ક્યારે, કયો શેર ધમાકો કરશે તેની ભવિષ્યવાણી કરવી અશક્ય છે. કેટલીકવાર એક નાનકડી અફવા કે સામાન્ય સમાચાર પણ કોઈ શેરને આકાશ આંબવા માટે પૂરતા હોય છે. આવું જ કંઈક બન્યું છે માત્ર 5 રૂપિયાના એક નાના એવા પેની સ્ટોક (Penny Stock) સાથે, જેમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત અપર સર્કિટ લાગી રહી છે. આ શેર છે પારલે ઇન્ડસ્ટ્રીઝ (Parle Industries) નો, જે માત્ર 5 જ દિવસમાં 33% જેટલો ઉછળી ગયો છે અને રોકાણકારો માલામાલ થઈ ગયા છે.
નામ પારલે પણ કામ જુદાં
અહીં એ સ્પષ્ટ કરવું જરૂરી છે કે આ કંપનીનું નામ ભલે 'પારલે' હોય, પણ તેને પ્રખ્યાત 'પારલે-જી' બિસ્કિટ સાથે કોઈ લેવાદેવા નથી. આ એક રિયલ એસ્ટેટ ક્ષેત્રની કંપની છે. પરંતુ પીએમ નરેન્દ્ર મોદીના એક 'મેલોડી ટ્વિસ્ટ'ના કારણે રોકાણકારોમાં થયેલી ગેરસમજે આ ડૂબતા શેરમાં અચાનક જીવ પૂરી દીધો છે.
PM મોદીની ઇટાલી મુલાકાત અને 'મેલોડી' કનેક્શન
આ આખી રોચક વાર્તા પાછળનું કારણ પીએમ મોદીની ઇટાલી મુલાકાત છે:
ખાસ ગિફ્ટ: ઇટાલીના પ્રવાસે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્યાંના પીએમ જ્યોર્જિયા મેલોનીને પારલે કંપનીની પ્રખ્યાત 'મેલોડી' (Melody) ટોફીનું પેકેટ ભેટમાં આપ્યું હતું.
વીડિયો થયો વાયરલ: ઇટાલીના પીએમ દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરાયેલો આ વીડિયો જોતજોતામાં વાયરલ થઈ ગયો અને ઈન્ટરનેટ પર 'મેલોડી' ટ્રેન્ડ થવા લાગ્યું.
રોકાણકારોની ગેરસમજ: બજારના રોકાણકારોને લાગ્યું કે આ ટોફી બનાવતી કંપની 'પારલે ઇન્ડસ્ટ્રીઝ' છે, અને તેઓ આ શેર ખરીદવા માટે તૂટી પડ્યા. પરિણામે શેરમાં સતત અપર સર્કિટ લાગવા માંડી. જ્યારે અસલી હકીકત એ છે કે મેલોડી ટોફી બનાવતી 'પારલે પ્રોડક્ટ્સ' શેરબજારમાં લિસ્ટેડ જ નથી!
છેલ્લા 5 દિવસમાં શેરનો તૂફાની વળાંક
વર્ષભરથી શાંત પડેલા આ શેરમાં અચાનક આવેલી તેજીના આંકડા નીચે મુજબ છે:
| પરિબળ | વિગત |
| 19 મે ના રોજ | કિંમત માત્ર ₹5.00 |
| હાલની કિંમત (5 દિવસ પછી) | ₹6.67 |
| કુલ ઉછાળો | 33% (સતત અપર સર્કિટ) |
| કંપનીનું માર્કેટ કેપ | વધીને ₹32.58 કરોડ થયું |
આ શેર છેલ્લા એક વર્ષથી સતત ધોવાઈ રહ્યો હતો અને લગભગ 70% જેટલો તૂટી ગયો હતો. પરંતુ 20 મે ના રોજ જેવો ઇટાલીના પીએમનો થેન્ક યૂ વીડિયો આવ્યો, આ શેરમાં તેજીનું ઘોડાપૂર આવ્યું જે હજુ પણ ચાલુ છે.
બંને કંપનીઓ વચ્ચેનો મોટો તફાવત
રસપ્રદ વાત એ છે કે, જ્યારે 80ના દાયકામાં પારલે પ્રોડક્ટ્સે મેલોડી ટોફી લોન્ચ કરી હતી ત્યારે જ આ પારલે ઇન્ડસ્ટ્રીઝ કંપનીની સ્થાપના થઈ હતી. જો કે, બંનેના બિઝનેસ તદ્દન અલગ છે:
પારલે ઇન્ડસ્ટ્રીઝ (Parle Industries): આ શેરબજારમાં લિસ્ટેડ કંપની છે, જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટના ક્ષેત્રમાં કામ કરે છે.
પારલે પ્રોડક્ટ્સ (Parle Products): આ એક બિન-લિસ્ટેડ (પ્રાઇવેટ) FMCG કંપની છે, જે પારલે-જી, મેલોડી, મોનાકો અને હાઇડ એન્ડ સીક જેવા પ્રખ્યાત બ્રાન્ડ્સ બનાવે છે.
Disclaimer: શેરબજારમાં માત્ર નામ પાછળ દોડીને રોકાણ કરવું જોખમી સાબિત થઈ શકે છે. કોઈપણ પ્રકારના રોકાણ પહેલાં કંપનીના ફંડામેન્ટલ્સ તપાસો અને માર્કેટ એક્સપર્ટની સલાહ ચોક્કસ લો.
આ પણ વાંચો- Petrol Diesel Price Today: પેટ્રોલ 115 તો ડીઝલ 104 રૂપિયે, જાણો આજે ભાવમાં શું છે ફેરફાર ?