રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ દેશભરની નોન-બેન્કિંગ ફાઈનાન્સિયલ કંપનીઓ (NBFCs) સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. આરબીઆઈએ નિયમોનું પાલન ન કરતી કુલ 150 NBFC કંપનીઓના સર્ટિફિકેટ ઓફ રજિસ્ટ્રેશન (COR) તાત્કાલિક અસરથી રદ કરી દીધા છે. આ નિર્ણય બાદ હવે આ કંપનીઓ નોન-બેન્કિંગ નાણાકીય સંસ્થા તરીકે કોઈપણ પ્રકારની નાણાકીય કામગીરી કરી શકશે નહીં.
પશ્ચિમ બંગાળની 75 કંપનીઓ છે
આ કાર્યવાહીની સૌથી વધુ અસર પશ્ચિમ બંગાળ અને દિલ્હીમાં જોવા મળી છે. RBI દ્વારા જાહેર કરાયેલી યાદી મુજબ રજિસ્ટ્રેશન રદ કરાયેલી 150 કંપનીઓમાંથી આશરે 75 કંપનીઓ પશ્ચિમ બંગાળની છે, જ્યારે દિલ્હીની લગભગ 67 NBFC કંપનીઓના લાયસન્સ રદ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત તેલંગાણા, કર્ણાટક, મધ્ય પ્રદેશ, બિહાર અને હરિયાણાની કેટલીક કંપનીઓ પણ આ કાર્યવાહી હેઠળ આવી છે.
કેમ કરાઈ કાર્યવાહી?
RBIએ ભારતીય રિઝર્વ બેન્ક અધિનિયમ, 1934ની કલમ 45-IA (6) હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરીને આ પગલું ભર્યું છે. સામાન્ય રીતે જ્યારે કોઈ NBFC નક્કી કરાયેલા નાણાકીય ધોરણો, મિનિમમ નેટ ઓન્ડ ફંડ, નિયમો અથવા રેગ્યુલેટરી માર્ગદર્શિકાનું પાલન કરવામાં નિષ્ફળ જાય છે અથવા લાંબા સમયથી નિષ્ક્રિય રહે છે ત્યારે RBI આવી કાર્યવાહી કરે છે.
રજિસ્ટ્રેશન રદ થયા બાદ હવે આ કંપનીઓ લોન, લીઝિંગ, રોકાણ કે અન્ય નાણાકીય સેવાઓ આપી શકશે નહીં. સાથે જ તેઓ જનતા પાસેથી નવા ડિપોઝિટ સ્વીકારી શકશે નહીં. NBFC એવી નાણાકીય સંસ્થાઓ છે, જે બેન્કો જેવી લોન અને રોકાણ સેવાઓ આપે છે, પરંતુ તેમને પરંપરાગત બેંકિંગ લાયસન્સ મળેલું હોતું નથી. તેમનું સંપૂર્ણ નિયંત્રણ અને નિયમન RBI દ્વારા કરવામાં આવે છે.
આ પણ વાંચો : Anil Ambaniની કંપનીઓ પર CBIનો સકંજો, મુંબઈ ગુરુગ્રામ અને બેંગલુરુમાં દરોડા પાડયા