શેરબજારમાં સામાન્ય રોકાણકારો સાથે છેતરપિંડી કરનારા એક મોટા ફ્રન્ટ-રનિંગ નેટવર્ક સામે સેબીએ કડક પગલાં લીધા છે. SEBIએ 12 સંસ્થાઓ અને વ્યક્તિઓને દોષિત ઠેરવી તેમની પર આગામી 5 વર્ષ માટે શેરબજારમાં ટ્રેડિંગ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે.

સેબીએ દોષિતોને કુલ 90 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો

આ સાથે સેબીએ દોષિતોને કુલ 90 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે, તેમજ 1.07 કરોડ રૂપિયાથી વધુની ગેરકાયદેસર કમાણી પર વ્યાજ સહિતની રકમ પરત કરવાનો પણ આદેશ આપ્યો છે. સેબીની તપાસ દરમિયાન ખુલાસો થયો કે કેટલાક ડીલર્સે મોટા ક્લાયન્ટ્સના આવનારા ટ્રેડ્સ સંબંધિત ગુપ્ત અને જાહેર ન કરાયેલી માહિતી પોતાના નજીકના લોકોને અગાઉથી પહોંચાડી હતી. આ માહિતીના આધારે મોટા ઓર્ડર બજારમાં આવે તે પહેલાં જ ટ્રેડિંગ કરવામાં આવી હતી, જેના કારણે ભાવોમાં થતી ઉથલપાથલમાંથી ગેરકાયદેસર નફો કમાયો હતો.

સેબીએ આ ઘટનાને સ્પષ્ટ રીતે શેરબજારની છેતરપિંડી ગણાવી

આ આખી પ્રક્રિયા સંપૂર્ણ રીતે આયોજનબદ્ધ રીતે હાથ ધરવામાં આવી હતી, જેમાં ખરીદી-વેચાણના પેટર્ન દ્વારા બજારને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સેબીએ આ ઘટનાને સ્પષ્ટ રીતે શેરબજારની છેતરપિંડી ગણાવી છે અને કહ્યું છે કે આવા કૃત્યો રોકાણકારોના વિશ્વાસને ગંભીર રીતે નુકસાન પહોંચાડે છે. નિયમનકર્તાએ ચેતવણી આપી છે કે બજારમાં પારદર્શિતા અને ઈમાનદારી સાથે સમાધાન કરનારાઓ સામે ભવિષ્યમાં પણ કડક કાર્યવાહી ચાલુ રહેશે. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાય સમયથી શેરબજારમાં છેતરપિંડીના ઘણા અલગ અલગ કિસ્સા પ્રકાશમાં આવી રહ્યા છે, ત્યારે આ પ્રકારની ઘટનાઓને લઈને સેબી ખુબ જ એલર્ટ છે અને આવી સંસ્થા વિરૂદ્ધ કડક કાર્યવાહી કરી રહ્યું છે. 

આ પણ વાંચો: Union Budget 2026: શું નોકરિયાતોની લોટરી લાગશે? સ્ટાન્ડર્ડ ડિડક્શન 1 લાખ થવાની શક્યતા, જાણો વિગતવાર

ડિસ્કલેમર- આ માહિતી માત્ર તમારી જાણકારી માટે છે. શેરબજારમાં કે અન્ય કોઈ જગ્યા પર રોકાણ કરતા પહેલા તમારા ફાયનાન્શિયલ એડવાઈઝરની સલાહ અવશ્ય લેવી.