કહેવાય છે કે 'શોખ બડી ચીજ હૈ' અને આ વાતને સાચી સાબિત કરી બતાવી છે, આંધ્રપ્રદેશના ગુંટુર જિલ્લાના રહેવાસી કિરણ કોલપાકુલાએ. સામાન્ય રીતે લોકો મોંઘી કાર પાછળ લાખો રૂપિયા ખર્ચતા હોય છે, પરંતુ કિરણભાઈએ પોતાની 6 લાખ રૂપિયાની કાર માટે DDC 0001 નંબરની VIP પ્લેટ ખરીદવા માટે 2.08 કરોડ રૂપિયાની માતબર રકમ ખર્ચીને સૌને ચોંકાવી દીધા છે.
Big Boy Toyz ની હરાજીમાં બન્યો રેકોર્ડ
દેશની જાણીતી લક્ઝરી કાર ડીલરશીપ 'Big Boy Toyz' (BBT) દ્વારા આ ખાસ વિન્ટેજ નંબર પ્લેટની હરાજી કરવામાં આવી હતી. આ નંબર પ્લેટ અગાઉ BBT ના ફાઉન્ડર જતિન આહુજા પાસે હતી. જ્યારે ઓનલાઈન હરાજી શરૂ થઈ ત્યારે બોલી લાખોમાં હતી, પરંતુ કિરણ કોલપાકુલાએ 2.08 કરોડની બોલી લગાવીને આ નંબર પોતાના નામે કર્યો હતો. આ સાથે જ આ ભારતની અત્યાર સુધીની સૌથી મોંઘી નંબર પ્લેટ બની ગઈ છે.
