જીવનમાં ક્યારેય પણ અણધારી આફત આવી શકે છે, જેમ કે અચાનક બીમારી, નોકરી છૂટી જવી કે મોટું રિપેરિંગ કામ. આવા સમયે 'ઈમરજન્સી ફંડ' તમારી આર્થિક સુરક્ષાની ઢાલ બને છે. પરંતુ સવાલ એ છે કે આ ફંડ ક્યાં રાખવું જોઈએ? ફિક્સ્ડ ડિપોઝિટ (FD) માં કે મ્યુચ્યુઅલ ફંડમાં? ચાલો સમજીએ એક્સપર્ટ શું કહે છે.

લિક્વિડિટી સૌથી મહત્વની 

જ્યારે ઈમરજન્સી ફંડની વાત આવે ત્યારે રિટર્ન કરતા 'લિક્વિડિટી' એટલે કે જરૂર પડે ત્યારે કેટલી ઝડપથી પૈસા હાથમાં આવે છે તે જોવું સૌથી જરૂરી છે. SEBI રજિસ્ટર્ડ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર અવિનાશ લુથરિયાના જણાવ્યા મુજબ, જો તમારે અચાનક હોસ્પિટલના ખર્ચ જેવા કામ માટે પૈસા જોઈએ છે, તો FD સૌથી વધુ પ્રેક્ટિકલ ઓપ્શન છે. મ્યુચ્યુઅલ ફંડમાં પૈસા ઉપાડ્યા પછી ખાતામાં આવતા 2 થી 3 દિવસ લાગી શકે છે, જે ગંભીર સ્થિતિમાં મુશ્કેલી ઊભી કરી શકે.

FD ક્યારે પસંદ કરવી?

ત્વરિત જરૂરિયાત: નેટ બેંકિંગ દ્વારા FD ગમે ત્યારે તોડી શકાય છે અને પૈસા તરત જ સેવિંગ્સ એકાઉન્ટમાં આવી જાય છે.

સુરક્ષા: માર્કેટના ઉતાર-ચઢાવની FD પર કોઈ અસર થતી નથી, જેથી તમારું મુડી સુરક્ષિત રહે છે.

સરળતા: જે લોકો ઓછી આવક ધરાવે છે અથવા લો ટેક્સ બ્રેકેટમાં છે, તેમના માટે FD એક સરળ અને શ્રેષ્ઠ વિકલ્પ છે.

મ્યુચ્યુઅલ ફંડ ક્યારે સારા સાબિત થાય?

જો તમારી પાસે એવી ઈમરજન્સી છે જેમાં 2-3 દિવસનો સમય મળી શકે તેમ હોય, તો મ્યુચ્યુઅલ ફંડ (ખાસ કરીને લિક્વિડ ફંડ કે ઓવરનાઈટ ફંડ) સારો વિકલ્પ બની શકે છે.

ટેક્સ બેનિફિટ: હાઈ ટેક્સ બ્રેકેટમાં આવતા લોકો માટે ડેટ મ્યુચ્યુઅલ ફંડ ટેક્સ બાદ વધુ સારું રિટર્ન આપવાની ક્ષમતા ધરાવે છે.

બહેતર રિટર્ન: સેવિંગ્સ એકાઉન્ટ કરતા આમાં રિટર્ન થોડું વધારે મળવાની શક્યતા હોય છે.

મુશ્કેલ સમયે પૈસા જલ્દી મળી જાય

ઈમરજન્સી ફંડ બનાવતી વખતે ટેક્સ કે રિટર્નને પહેલી પ્રાથમિકતા ન આપવી જોઈએ. સૌથી જરૂરી એ છે કે મુશ્કેલ સમયે પૈસા જલ્દી મળી જાય. સામાન્ય રીતે, ઓછી આવક ધરાવતા લોકો માટે FD શ્રેષ્ઠ છે, જ્યારે વધુ ટેક્સ ભરતા લોકો ડેટ મ્યુચ્યુઅલ ફંડનો વિચાર કરી શકે છે.

Disclaimer : આ માહિતી માત્ર વિવિધ રિપોર્ટ્સ પર આધારિત છે. સંદેશ ન્યૂઝલ તેની કોઈ પુષ્ટિ કરતું નથી.

આ પણ વાંચો:US Iran Conflict Impact:અમેરિકા-ઈરાન વિવાદમાં જાપાનને 1 લાખ કરોડનું નુકસાન, તેલ સંકટ અને ટ્રમ્પના ટેરિફથી અર્થતંત્રમાં હાહાકાર