મધ્ય-પૂર્વમાં વધી રહેલા તણાવ અને ઈરાન યુદ્ધની સીધી અસર હવે ભારતીય અર્થતંત્ર પર દેખાવા લાગી છે. એપ્રિલ મહિનામાં ભારતનો થોક મોંઘવારી દર (WPI) આશ્ચર્યજનક રીતે વધીને 8.3% પર પહોંચી ગયો છે. આ આંકડો છેલ્લા 42 મહિનાની સૌથી ઊંચી સપાટી છે. માર્ચ મહિનામાં થોક મોંઘવારી દર 3.88% હતો, જે માત્ર એક જ મહિનામાં બમણાથી વધુ વધી ગયો છે.

શા માટે વધી મોંઘવારી?

આ ઉછાળા પાછળનું મુખ્ય કારણ ક્રૂડ ઓઈલ, નેચરલ ગેસ અને મેટલ્સના ભાવમાં થયેલો વધારો છે. વૈશ્વિક સ્તરે ઊર્જાના ભાવ વધવાને કારણે ઉત્પાદકોની પડતર કિંમત (Production Cost) વધી છે. જોકે સરકારે સામાન્ય જનતા માટે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો ફેરફાર કર્યો નથી, પરંતુ કોમર્શિયલ ગેસ સિલિન્ડર અને ઈન્ડસ્ટ્રિયલ ફ્યુઅલના ભાવ વધવાથી સપ્લાય ચેઈન પર દબાણ વધ્યું છે.

ઇંધણ અને પાવર સેક્ટરમાં મોટો ઉછાળો

એપ્રિલના આંકડા મુજબ સૌથી વધુ અસર ફ્યુઅલ અને પાવર કેટેગરીમાં જોવા મળી છે

પેટ્રોલ: મોંઘવારી દર 2.50% થી વધીને સીધો 32.40% થયો.

હાઈ-સ્પીડ ડીઝલ: માર્ચમાં 3.26% થી વધીને એપ્રિલમાં 25.19% પર પહોંચ્યો.

LPG: ગેસના ભાવમાં પણ 10.92% નો વધારો નોંધાયો છે.

ક્રૂડ ઓઈલ અને ગેસ: આ ક્ષેત્રમાં મોંઘવારીનો આંકડો 67.18% સુધી ઉછળ્યો છે.

રિટેલ મોંઘવારીની સ્થિતિ

મોંઘવારીની સાથે છૂટક (Retail) મોંઘવારીમાં પણ ધીમો પણ સતત વધારો થઈ રહ્યો છે. એપ્રિલમાં રિટેલ મોંઘવારી 3.48% રહી હતી, જે ફેબ્રુઆરીમાં 3.21% હતી. ઓક્ટોબર 2025 પછી રિટેલ મોંઘવારીમાં સતત તેજી જોવા મળી રહી છે, જે સામાન્ય ગ્રાહકોના ખિસ્સા પર બોજ વધારી રહી છે. નિષ્ણાતોના મતે જો ઈરાન યુદ્ધ લાંબુ ચાલશે તો આગામી સમયમાં મોંઘવારી હજુ પણ વધી શકે છે.

આ પણ વાંચો:US China:અમેરિકામાં રાજકીય હડકંપ,4 શક્તિશાળી સાંસદોએ ટ્રમ્પને પત્ર લખી આપી ચેતવણી - 'તાઇવાનનો સોદો ન કરતા!'