અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અત્યારે ચીનની મહત્વપૂર્ણ મુલાકાતે છે અને રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત કરી રહ્યા છે. આ મુલાકાત વચ્ચે વોશિંગ્ટનમાં ભારે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. અમેરિકાના ચાર વરિષ્ઠ સાંસદોએ રાષ્ટ્રપતિ ટ્રમ્પને એક કડક પત્ર લખીને ચેતવણી આપી છે કે બીજિંગમાં તાઇવાનને લઈને કોઈ એવો સોદો ન થવો જોઈએ જે અમેરિકાની દાયકાઓ જૂની વિદેશ નીતિને નુકસાન પહોંચાડે.

કોણે લખ્યો છે આ પત્ર?

આ પત્ર લખનારાઓમાં હાઉસ ફોરેન અફેર્સ કમિટીના ગ્રેગરી મીક્સ, ચીન બાબતોની વિશેષ સમિતિના આર.ઓ. ખન્ના, ઇન્ટેલિજન્સ કમિટીના જિમ હિમ્સ અને આર્મર્ડ સર્વિસ કમિટીના એડમ સ્મિથ જેવા દિગ્ગજ નેતાઓ સામેલ છે. આ તમામ સાંસદોએ ટ્રમ્પને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે અમેરિકાએ તેની 'વન-ચાઇના પોલિસી' (One-China Policy) પર મક્કમ રહેવું જોઈએ.

પત્ર પાછળનું મુખ્ય કારણ શું છે?

સાંસદોને આશંકા છે કે ચીન સાથેની વેપાર કે અન્ય સમજૂતીના બદલામાં ટ્રમ્પ તાઇવાનને અપાતી સૈન્ય સહાયમાં કાપ મૂકી શકે છે. પત્રમાં યાદ અપાવવામાં આવ્યું છે કે અમેરિકી કાયદા (Taiwan Relations Act) મુજબ તાઇવાનને તેની રક્ષા માટે હથિયારો પૂરા પાડવા એ વોશિંગ્ટનની કાનૂની જવાબદારી છે. 1982ના કરારનો ઉલ્લેખ કરતા સાંસદોએ કહ્યું કે અમેરિકાએ ક્યારેય એ સ્વીકાર્યું નથી કે તે તાઇવાનને હથિયાર વેચતા પહેલા ચીન સાથે સલાહ-મસલત કરશે.

ટ્રમ્પ પાસે રખાયેલી 3 મોટી માંગો

હથિયારોની ડિલિવરી: કોંગ્રેસ દ્વારા મંજૂર કરાયેલા હથિયારોના સોદાને તાત્કાલિક મંજૂરી આપી તાઇવાન મોકલવામાં આવે.

નીતિની સ્પષ્ટતા: ટ્રમ્પ સ્પષ્ટ કરે કે અમેરિકાની નીતિ હજુ પણ 'સિક્સ એશ્યોરન્સ' અને 'તાઇવાન રિલેશન્સ એક્ટ' પર આધારિત છે.

ચીન પર રોક: ચીનને અમેરિકાની તાઇવાન પોલિસી નક્કી કરવા કે તેમાં દખલ કરવાથી રોકવામાં આવે.

સાંસદોનું માનવું છે કે જો અમેરિકા આ નીતિથી સહેજ પણ પાછળ હટશે તો 'તાઇવાન સ્ટ્રેટ'માં શાંતિ જોખમાશે અને ચીનનું મનોબળ વધશે. અત્યારે આખી દુનિયાની નજર બીજિંગ પર છે કે ટ્રમ્પ જિનપિંગના દબાણ સામે ઝૂકે છે કે સાંસદોની ચેતવણીને માન આપે છે.

આ પણ વાંચો:Taiwan Conflict:બીજિંગમાં ટ્રમ્પ-જિનપિંગની ‘સીક્રેટ ડીલ’? જેને લઈને દુનિયાના આ 5 દેશ ટેન્શનમાં છે