સરકાર તમારી વાર્ષિક આવક અને તેના પર ચૂકવવાપાત્ર ટેક્સનો હિસાબ રાખી શકે તે માટે આવકવેરા રિટર્ન (ITR) ફાઇલ કરવું જરૂરી છે. તે માત્ર એક કાનૂની જરૂરિયાત નથી પણ હોમ લોન, વિઝા મંજૂરી અને ટેક્સ રિફંડ મેળવવા માટે એક મહત્વપૂર્ણ દસ્તાવેજ તરીકે પણ કામ કરે છે. ત્યારે નાણાકીય વર્ષ 2025-26 (મૂલ્યાંકન વર્ષ 2026-27) દરમિયાન કમાયેલી આવક પર આવકવેરા રિટર્ન (ITR) ફાઇલ કરવાની કામગીરી શરૂ થઇ ગઇ છે.
આવકવેરો ભરવાની કામગીરી શરૂ
જો તમે રિટર્ન ફાઇલ કરવામાં મોડુ કરશો તો તમારે લેટ ફી 5 હજાર સુધીની ચૂકવવી પડી શકે છે અને ટેક્સ રિફંડ મેળવવામાં પણ વિલંબ થઈ શકે છે. આ વર્ષે આવકવેરા વિભાગે નિયમોમાં એક મોટો ફેરફાર કર્યો છે, જે કેટલાક કરદાતાઓ માટે રાહત સમાન છે.
તમારી કેટેગરી મુજબ જાણો કઈ છે છેલ્લી તારીખ?
- ઇનકમ ટેક્સ વિભાગે કરદાતાઓની વિવિધ શ્રેણીઓ માટે અલગ-અલગ અંતિમ તારીખો નક્કી કરી છે:
- સામાન્ય નોકરીયાત અને HUF (ITR-1 અથવા ITR-2): આ કેટેગરીના લોકો માટે છેલ્લી તારીખ 31 જુલાઈ 2026 છે.
- બિન-ઓડિટ બિઝનેસ ટેક્સપેયર્સ (ITR-3 અથવા ITR-4): આ વર્ષના મોટા ફેરફાર મુજબ, જે વ્યવસાયિકોના ખાતાઓનું ઓડિટ જરૂરી નથી, તેમને રાહત આપતા છેલ્લી તારીખ લંબાવીને 31 ઓગસ્ટ 2026 કરવામાં આવી છે (જે પહેલા જુલાઈ હતી).
- ઓડિટ અનિવાર્ય હોય તેવા ખાતાઓ: આ કેટેગરી માટે અંતિમ તારીખ 31 ઓક્ટોબર 2026 છે.
- ટ્રાન્સફર પ્રાઇસિંગ નિયમો હેઠળ આવતા કરદાતાઓ: તેમના માટે છેલ્લી તારીખ 30 નવેમ્બર 2026 નક્કી કરાઈ છે.
- બિલેટેડ રિટર્ન (Belated Return): જો તમે નિયત તારીખે રિટર્ન નથી ભરી શક્યા, તો તમે દંડ સાથે 31 ડિસેમ્બર 2026 સુધી રિટર્ન સબમિટ કરી શકો છો.
- રિવાઇઝ્ડ રિટર્ન (Revised Return): રિટર્નમાં થયેલી ભૂલો સુધારવા માટેની છેલ્લી તારીખ 31 માર્ચ 2027 છે.
ડેડલાઇન પછી રિટર્ન ભરો તો શું નુકસાન ?
- નિયત તારીખ વીતી ગયા પછી પણ ડિસેમ્બર સુધી રિટર્ન ભરવાનો વિકલ્પ મળે છે, પરંતુ તેની સીધી અસર તમારા ખિસ્સા પર પડે છે:
- સેક્શન 234F હેઠળ દંડ: જો તમારી વાર્ષિક આવક ₹5 લાખથી વધુ છે, તો ₹5,000 સુધીની લેટ ફી વસૂલવામાં આવશે. ₹5 લાખ સુધીની આવક ધરાવતા લોકો માટે આ દંડ મહત્તમ ₹1,000 છે.
- વ્યાજની ચૂકવણી: જો તમારો ટેક્સ બાકી નીકળતો હશે, તો તેના પર અલગથી વ્યાજ ચૂકવવું પડશે.
- નુકસાનનું કૅરી ફોરવર્ડ નહીં થાય: શેરબજાર કે બિઝનેસમાં થયેલા નુકસાનને તમે આગામી વર્ષોના ટેક્સ સામે સેટ-ઓફ (Carry Forward) નહીં કરી શકો.
સમયસર ITR ફાઈલ કરવાના ફાયદા
શા માટે સમયસર ફાઇલિંગ જરૂરી છે? > સમયસર ITR ફાઇલ કરવું એ માત્ર કાયદાકીય જવાબદારી નથી, પરંતુ તે તમારો મજબૂત ફાઇનાન્સિયલ રેકોર્ડ બનાવે છે. હોમ લોન, પર્સનલ લોન કે ક્રેડિટ કાર્ડની મંજૂરી માટે બેંકો સૌથી પહેલા ITR ની માંગ કરે છે. આ ઉપરાંત, વિદેશ જવા માટે વિઝા પ્રોસેસમાં પણ ITR મહત્વનો દસ્તાવેજ સાબિત થાય છે અને તમારું ટેક્સ રિફંડ પણ ઝડપથી બેંક ખાતામાં જમા થઈ જાય છે.
સબમિટ બટન દબાવતા પહેલા આ બાબતો ખાસ ચકાસો
સાચુ ફોર્મ પસંદ કરો: તમારી આવકના સ્ત્રોત મુજબ યોગ્ય ITR ફોર્મ (ITR-1 થી ITR-4) ની પસંદગી કરો.
AIS અને Form 26AS નું ક્રોસ ચેક કરો- તમારા એન્યુઅલ ઇન્ફોર્મેશન સ્ટેટમેન્ટ (AIS) અને ફોર્મ 26AS ને બેંક સ્ટેટમેન્ટ સાથે ક્રોસ-ચેક કરો.
આવકના તમામ સ્ત્રોત દર્શાવો: બધી કમાણી સાચી જાહેર કરો અને માત્ર એવા જ ડિડક્શન (કપાત) નો દાવો કરો જેના વૈધ દસ્તાવેજો તમારી પાસે હોય.
ઈ-વેરિફિકેશન (e-Verify): રિટર્ન સબમિટ કર્યા પછી તેને ઈ-વેરિફાય કરવાનું ચૂકશો નહીં, કારણ કે વેરિફિકેશન વિના તમારું ITR અમાન્ય ગણાશે.
આ પણ વાંચો-પાણીપુરીમાં બટાકા ચણા જ કેમ ભરવામાં આવે છે?