ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઈલ કરનારા ટેક્સપેયર્સ માટે ઈન્કમ ટેક્સ વિભાગે આ વર્ષે તપાસ પ્રક્રિયા વધુ કડક બનાવી છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સેસ (CBDT)એ ઈન્કમ ટેક્સ એક્ટની કલમ 143(2) હેઠળ થતી સ્ક્રૂટિની પ્રક્રિયાને વધુ સખત રીતે અમલમાં મૂકવાનો નિર્ણય લીધો છે. આ પ્રક્રિયાનું મુખ્ય હેતુ ટેક્સપેયર્સ દ્વારા આપવામાં આવેલી માહિતીની ચકાસણી કરીને કોઈપણ પ્રકારની ગેરરીતિ અથવા વિસંગતતા શોધવી છે.
કેવા ટેક્સપેયર્સને મળી શકે છે નોટિસ?
વિભાગે નાણાકીય વર્ષ 2025-26 માટેના રિટર્ન્સ માટે સ્ક્રૂટિની નોટિસ જાહેર કરવાની અંતિમ તારીખ 30 જૂન 2026 નક્કી કરી છે. જો આ તારીખ સુધી કોઈ ટેક્સપેયર્સને નોટિસ મળતી નથી તો તેનું રિટર્ન તે નાણાકીય વર્ષમાં વધુ તપાસ માટે પસંદ કરવામાં આવશે નહીં. આવકવેરા અધિનિયમની કલમ 143(2) મુજબ આકલન અધિકારીને અધિકાર છે કે તે ટેક્સપેયર્સના રિટર્નની વિગતવાર તપાસ કરી શકે. જો અધિકારીને લાગે કે આવક ઓછી દર્શાવવામાં આવી છે, નુકસાન વધુ બતાવવામાં આવ્યું છે અથવા ટેક્સ ઓછો ચૂકવવામાં આવ્યો છે તો તે ટેક્સપેયર્સને નોટિસ પાઠવી શકે છે.













