જો તમારી જમીન 'ગ્રામીણ ખેતીની જમીન' તરીકે વર્ગીકૃત થયેલ હોય, તો તેને મૂડી સંપત્તિ (Capital Asset) ગણવામાં આવતી નથી, પરિણામે તેના વેચાણ પર કોઈ પણ પ્રકારનો મૂડી લાભ ટેક્સ (Capital Gains Tax) ચૂકવવો પડતો નથી.
મૂડી લાભ અને ટેક્સના દર
જ્યારે શહેરી ખેતીની જમીન વેચવામાં આવે, ત્યારે તેના ધારણ કરવાના સમયગાળાના આધારે ટેક્સ નક્કી થાય છે. જો જમીન ખરીદ્યાના 24 મહિના (2 વર્ષ) ની અંદર વેચવામાં આવે, તો તેને 'શોર્ટ ટર્મ કેપિટલ ગેઈન' (STCG) કહેવાય છે અને તે વ્યક્તિની કુલ આવકમાં ઉમેરાઈને તેના ટેક્સ સ્લેબ મુજબ કરપાત્ર બને છે. પરંતુ જો જમીન ૨ વર્ષથી વધુ સમય માટે રાખવામાં આવી હોય, તો તેને 'લોન્ગ ટર્મ કેપિટલ ગેઈન' (LTCG) ગણવામાં આવે છે. LTCG પર સામાન્ય રીતે 20% ટેક્સ લાગે છે, જેમાં ઇન્ડેક્સેશનનો લાભ મળે છે (મોંઘવારી મુજબ ખરીદ કિંમતમાં સુધારો), જેનાથી ટેક્સનો બોજ ઓછો થઈ શકે છે.
કલમ 54B હેઠળ કર મુક્તિનો લાભ
ખેડૂતોને રાહત આપવા માટે આવકવેરામાં કલમ 54B ની જોગવાઈ કરવામાં આવી છે. આ નિયમ મુજબ, જો તમે તમારી ખેતીની જમીન વેચીને તેમાંથી મળેલા નફાનો ઉપયોગ વેચાણની તારીખથી 2 વર્ષની અંદર નવી ખેતીની જમીન ખરીદવા માટે કરો છો, તો તમારે કોઈ ટેક્સ ચૂકવવો પડતો નથી. આ લાભ મેળવવા માટે શરત એ છે કે વેચેલી જમીનનો ઉપયોગ વેચાણના ઓછામાં ઓછા બે વર્ષ પહેલા ખેતીકામ માટે થયેલો હોવો જોઈએ. જો નવી જમીન તરત ન ખરીદાય, તો નફાની રકમ 'કેપિટલ ગેઈન્સ એકાઉન્ટ સ્કીમ' હેઠળ બેંકમાં જમા કરાવી શકાય છે.
અન્ય સરકારી બોન્ડ અને રહેણાંક મકાનમાં રોકાણ
કર બચાવવા માટે માત્ર નવી જમીન જ નહીં, પણ અન્ય રોકાણ વિકલ્પો પણ ઉપલબ્ધ છે. કલમ 54EC હેઠળ, તમે જમીન વેચાણનો નફો NHAI અથવા REC જેવા સરકારી બોન્ડમાં રોકાણ કરીને ટેક્સ બચાવી શકો છો, જેની મહત્તમ મર્યાદા ₹50 લાખ છે અને તેમાં 5 વર્ષનો લોક-ઈન પીરિયડ હોય છે. આ ઉપરાંત, જો કોઈ વ્યક્તિ જમીન વેચીને નવું રહેણાંક મકાન ખરીદવા અથવા બાંધવા માંગતી હોય, તો તે કલમ 54F હેઠળ કર મુક્તિનો દાવો કરી શકે છે. આ આયોજનબદ્ધ રોકાણો દ્વારા કાયદેસર રીતે ટેક્સની મોટી રકમ બચાવી શકાય છે.
આ પણ વાંચો: DA હવે 58% થી વધીને 60%, 12.46 લાખ કર્મચારીઓ અને પેન્શનરોના ખાતામાં આવશે વધુ પૈસા!