રાજકોટ-જેતપુર નેશનલ હાઈવે પર ગોંડલની ગુંદાળા ચોકડી પાસે ગત રાત્રે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. રાજકોટથી જેતપુર તરફ જઈ રહેલી એક બોલેરો પીકઅપ ગાડી પલટી મારી જતાં બ્રિજ પર સવાર શ્રમિકો સીધા 30 ફૂટ નીચે રોડ પર પટકાયા હતા. આ ગમખ્વાર અકસ્માતમાં બે શ્રમિકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે, જ્યારે ચાર શ્રમિકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.


ટાયર ફાટતા ચાલકે કાબૂ ગુમાવ્યો

મળતી માહિતી મુજબ, મધરાતે જ્યારે બોલેરો પીકઅપ રાજકોટથી જેતપુર તરફ જઈ રહી હતી, ત્યારે અચાનક ગાડીનું ટાયર ફાટ્યું હતું. ટાયર ફાટતા જ ચાલકે ગાડી પરનો કાબૂ ગુમાવી દીધો હતો અને ગાડી બ્રિજની સંરક્ષણ દીવાલ સાથે જોરદાર અથડાઈને પલટી મારી ગઈ હતી. કમનસીબે, કેટલાક શ્રમિકો ગાડીની ઉપરના ભાગે સૂતેલા હતા, જેઓ ગાડી પલટતા જ બ્રિજ પરથી નીચે પટકાયા હતા.

મૃતકો અને ઇજાગ્રસ્તોની વિગતો

આ દુર્ઘટનામાં રીતેષ સહની અને એક અજાણ્યા શ્રમિકનું ગંભીર ઇજા થવાના કારણે મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય ચાર શ્રમિકો ઇજાગ્રસ્ત થયા છે.ગુલાબ રામબલી સહની,શની અજય સહની,વિકાસકુમાર મીતલેશ સહની,ચંદન નરેશ માજીઇજાગ્રસ્તો પૈકી એક શ્રમિકની હાલત અત્યંત નાજુક હોવાથી તેને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

લોકોએ દાખવી માનવતા

અકસ્માતનો અવાજ સાંભળીને આસપાસના લોકો અને વાહનચાલકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા. લોકોએ 108 એમ્બ્યુલન્સની રાહ જોયા વગર પોતાના વાહનોમાં ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડી માનવતાનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ઘટનાની જાણ થતા ગોંડલ પોલીસે સ્થળ પર પહોંચી મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા હતા અને અકસ્માતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો: Gujarat Local body election 2026: લગ્નમંડપમાં જતાં પહેલાં લોકશાહીના મંડપમાં હાજરી, બોટાદની દુલ્હન અને સાણંદના વરરાજાએ જીત્યું સૌનું દિલ

  • Follow us on: