આજે જ્યારે સમગ્ર રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ છે, ત્યારે સાણંદ અને બોટાદમાં લોકશાહી પ્રત્યેની અતૂટ શ્રદ્ધાના દર્શન થયા છે. લગ્ન જેવા અંગત જીવનના સૌથી મહત્વના પ્રસંગને પણ બાજુ પર મૂકીને નવવધૂ અને વરરાજાએ પોતાની સામાજિક જવાબદારી નિભાવી સૌને પ્રેરણા આપી છે.
લગ્ન માટે રવાના થતા પહેલાં વરરાજા બૂથ પર
અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના બકરાણા ગામે લોકશાહીની એક અદભૂત તસવીર જોવા મળી હતી. વરરાજા વૈભવ પટેલ જ્યારે જાન લઈને લગ્ન માટે રવાના થવાના હતા, ત્યારે તેમણે સીધા જાનને મતદાન મથક તરફ વાળવાનો નિર્ણય કર્યો હતો. સાફા અને શેરવાનીમાં સજ્જ વરરાજાએ પોતાના પરિવાર સાથે બકરાણાના મતદાન મથકે પહોંચી વોટ આપ્યો હતો. વૈભવ પટેલે જણાવ્યું હતું કે, "લગ્ન તો જીવનનો પ્રસંગ છે, પણ મતદાન એ દેશ અને ગામના વિકાસ માટેની પવિત્ર ફરજ છે."










