જિયો ફાઈનાન્શિયલ સર્વિસિસે જૂન ત્રિમાસિકના મજબૂત નાણાકીય પરિણામો જાહેર કર્યા છે. કંપનીએ 16 જુલાઈએ જાહેર કરેલા પરિણામોમાં જણાવ્યું કે એપ્રિલથી જૂન 2026 દરમિયાન તેનો કન્સોલિડેટેડ નેટ પ્રોફિટ વાર્ષિક ધોરણે 156 ટકા વધીને ₹830 કરોડ થયો છે. ગયા વર્ષે આ જ સમયગાળામાં કંપનીનો નફો ₹325 કરોડ હતો.
શેર પર જોવા મળશે અસર
શેરબજાર બંધ થયા બાદ કંપનીએ આ પરિણામો જાહેર કર્યા હતા, જેના કારણે આગામી ટ્રેડિંગ સત્રમાં જિયો ફાઈનાન્શિયલના શેર પર તેની અસર જોવા મળી શકે છે. કંપનીની કામગીરીમાંથી મળતી કન્સોલિડેટેડ આવકમાં પણ જોરદાર વધારો નોંધાયો છે. જૂન ત્રિમાસિકમાં ઓપરેશનલ રેવેન્યુ 227 ટકા વધીને ₹2,004 કરોડ થયું છે, જ્યારે ગયા વર્ષે તે ₹612 કરોડ હતું.
કંપનીની કુલ આવકમાં પણ 141 ટકાનો વધારો નોંધાયો છે અને તે ₹1,496 કરોડ સુધી પહોંચી છે. આવક વધારવામાં વ્યાજની આવકનો મોટો ફાળો રહ્યો છે. જૂન ત્રિમાસિકમાં ઈન્ટરેસ્ટ ઈન્કમ 165 ટકા વધીને ₹962 કરોડ થઈ છે. જ્યારે ફી અને કમિશનથી થતી આવક લગભગ પાંચ ગણી વધીને ₹325 કરોડ થઈ છે. કંપનીને ડિવિડન્ડ આવક તરીકે ₹509 કરોડ મળ્યા છે.
જૂન ત્રિમાસિકમાં કુલ ખર્ચ 291 ટકા વધ્યો
જોકે, કંપનીના કુલ ખર્ચમાં પણ વધારો થયો છે. જૂન ત્રિમાસિકમાં કુલ ખર્ચ 291 ટકા વધીને ₹991 કરોડ થયો છે. તેમાં ફાઈનાન્સ ખર્ચ, કર્મચારીઓના ખર્ચ અને અન્ય ઓપરેટિંગ ખર્ચનો સમાવેશ થાય છે. તેમ છતાં આવકમાં મજબૂત વૃદ્ધિના કારણે પ્રી-પ્રોવિઝનિંગ પ્રોફિટ (PPOP) 38 ટકા વધીને ₹505 કરોડ રહ્યો છે.
આ પણ વાંચો : Business : ખોટમાંથી નફામાં આવી આ સરકારી કંપની, આવકમાં થયો 120 ટકાનો વધારો
ડિસ્કલેમર: શેરબજારમાં કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા તમારા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ અવશ્ય લો.